ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં તાપમાન વધી રહ્યું છે. સતત તાપમાનમાં વધારો થવાથી ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી વધતા ગરમીનું પ્રમાણ વધ્યું છે. તથા મહત્તમ તાપમાન પણ કેટલા જિલ્લાઓમાં 35 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. હાલ તાપમાનમાં ઘટાડાની શક્યતાઓ નહિવત છે, તેથી ગુજરાતવાસીઓએ ગરમીનો અનુભવ કરવો પડશે.
મેદાની પ્રદેશની ગરમ હવા ગુજરાતમાં ફૂંકાઈ છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 15.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુજરાત ઉપર હાલમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો આવી રહ્યા છે, જેને કારણે રાજસ્થાન તરફના મેદાની પ્રદેશની ગરમ હવા ગુજરાત તરફ આવી રહી છે, જેને કારણે તાપમાન સતત વધી રહ્યું છે. આ ઉપરાંત ગતરોજ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 35.7 ડિગ્રી સેલ્સ નોંધાવ્યું હતું.