યાત્રિકોના ધસારાને પહોંચી વળવા ડિસેમ્બર સુધી 2315 ટ્રિપનું આયોજન

દુર્ગાપૂજા, દિવાળી અને છઠના તહેવારો દરમિયાન દેશભરમાં લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ભારતીય રેલવે આ વર્ષે તહેવારો દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે 6556 સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું આયોજન કર્યું છે. તહેવારો દરમિયાન દર વર્ષે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે છે અને આ વર્ષે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. તેમાંથી પશ્ચિમ રેલવે 106 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સાથે 2315 ટ્રિપ ચલાવી રહી છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું કે, આ વર્ષે પશ્ચિમ રેલવેએ તહેવારોની સિઝન દરમિયાન મુસાફરીની વધેલી માંગને પહોંચી વળવા ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી કુલ 2315 ટ્રિપ્સ સાથે 106 સ્પેશ્યિલ ટ્રેનને સૂચિત કરી છે. આ ટ્રેનો ઉત્તરપ્રદેશ, બિહાર, ઉત્તર ભારત, પશ્ચિમ બંગાળ, ઉત્તર-પૂર્વ વગેરે જેવા સ્થળો માટે ચલાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવે મુંબઈથી દેશના વિવિધ ભાગોમાં 14 જોડી સ્પેશ્યિલ ટ્રેન ચલાવી રહી છે. ઉપરાંત, મુસાફરોની વિશાળ માંગને પહોંચી વળવા માટે, સુરત/ઉધના, વાપી, વલસાડથી 14 જોડી સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે, જ્યારે 21 જોડી ટ્રેન સુરત/ઉધના અથવા ભેસ્તાનમાંથી પસાર થઈ રહી છે. તેવી જ રીતે ગુજરાતના અન્ય સ્ટેશનો જેમ કે વાપી, વલસાડ, વડોદરા, અમદાવાદ, સાબરમતી, હાપા, ઓખા, રાજકોટ, ભાવનગર ટર્મિનસ વગેરે તેમજ મધ્યપ્રદેશના ઈન્દોર, ડો.આંબેડકરનગર, ઉજ્જૈનથી પણ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *