રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ગંભીર દુર્ઘટના ના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે હવે તંત્ર આ ઘટના બાદ સફાળું જાગ્યું હોય તેમ છેલ્લા એક માસથી ફાયર સેફ્ટીની ઠેર-ઠેર ચકાસણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ શૈક્ષણિક સંકૂલોમાં ફાયર સેફટીની ચકાસણી માટેનું બીડું ઝડપ્યું છે. તેવા સમયે આજે સવારથી રાજકોટ સહિત રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે એક જ દિવસમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 2,300 જેટલા શૈક્ષણિક સંકુલોનું ચેકિંગ હાથ ધરાયું છે. જે માટે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, CRC (ક્લસ્ટર રિસોર્સ સેન્ટર) કો ઓર્ડીનેટર સહિત 400 વ્યક્તિનો સ્ટાફ ઊંધેમાથે થઈ ગયો છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસનાધિકારી જોગ કરાયેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, 15મી જૂનના વીડિયો કોન્ફરન્સમાં અપાયેલી સૂચના મુજબ 16મી જૂનના એક જ દિવસમાં તમામ જિલ્લાઓમાં આવેલા શૈક્ષણિક સંકુલોમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવાની રહેશે. ત્યારે આજે રવિવારે રજાના દિવસે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સહિતની ટીમો કામે લાગી છે. સામાન્યતઃ આ અધિકારીઓ મોટાભાગે ઓફિસમાં બેસી અને કાગળ ઉપર રિપોર્ટ કરતા હોય છે, તેવા સમયે આ અધિકારીઓને રજાના દિવસે ફાયર સેફ્ટીના ચેકિંગની જવાબદારી સોંપવામાં આવતા આંતરિક કચવાટ પણ જોવા મળી રહ્યો છે.