શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પૂરક પરીક્ષાનો તા.23 જૂનથી પ્રારંભ થશે. આ વખતે બોર્ડ દ્વારા તમામ વિષયોની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાથી આ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. રાજકોટમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા 12,947 વિદ્યાર્થી આપવાના છે. આ પરીક્ષા માટે શહેરના 30 બિલ્ડિંગ અને 261 બ્લોકમાં વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. બોર્ડની મુખ્ય પરીક્ષાની જેમ જ પૂરક પરીક્ષામાં સીસીટીવી કેમેરાથી નજર રખાશે.
આ વખતે પહેલીવાર ધોરણ-10 અને 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહમાં ગમે તેટલા વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે, ઉપરાંત પાસ થયેલા ઉમેદવારો પણ પોતાનું પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે છે.
એક વખત પાસ છતાં 13 હજાર વિદ્યાર્થી પરિણામ સુધારવા ફરી પરીક્ષા આપશે રાજકોટ સહિત રાજ્યભરમાં 13 હજાર વિદ્યાર્થીઓ એવા છે જેઓ ફેબ્રુઆરીમાં લેવાયેલી મુખ્ય પરીક્ષા પાસ કરવા છતાં વધુ ગુણ મેળવવાની આશામાં અથવા વધુ સારું પરિણામ મેળવવા માટે ફરીથી પરીક્ષા આપવા જઈ રહ્યા છે. આમાંથી 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ફક્ત ધોરણ 12 સાયન્સના હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષણ બોર્ડે મુખ્ય પરીક્ષા પહેલાં જ પૂરક પરીક્ષા માટે નવા નિયમો પણ જાહેર કર્યા હતા. જેમાં 10મા અને 12મા ધોરણના તમામ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં બધા વિષયોની પરીક્ષા આપી શકશે, આવો નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. જો વિદ્યાર્થી પાસ થયો હોય તો પણ તે બધા વિષયોની પરીક્ષા આપી શકશે. મુખ્ય અને પૂરક પરીક્ષા બંનેમાંથી જે પરિણામ શ્રેષ્ઠ હશે તેને માન્ય ગણવામાં આવશે.