21 મિલકત સીલ, 7ના નળ કનેક્શન કાપ્યા છતાં માંડ 15 લાખની ઉઘરાણી

રાજકોટ મનપાની વેરા વસૂલાત શાખાએ જાન્યુઆરીના પ્રથમ દિવસે તો 21 મિલકતોને સીલ અને 7માં નળ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવા છતાં માંડ 15 લાખની ઉઘરાણી થઈ છે. મનપાની વેરા વસૂલાત શાખાના જણાવ્યા અનુસાર સોમવારે ટીમ દ્વારા 10 મિલકતને સીલ કરાતા સ્થળ પર જ મિલકતધારકે વેરો ભરી દેતા સીલ ખોલવામાં આવ્યા હતા. જ્યારે 11 મિલકતોમાંથી વેરા વસૂલાત ન થતા સીલ યથાવત્ રહ્યા છે. આ જ રીતે 2 સ્થળે નળ કનેક્શન કપાતની કાર્યવાહી કરાતા વેરો ભરવામાં આવ્યો હતો જ્યારે બીજા 5 સ્થળે નળ કનેક્શન કાપી પાણી પુરવઠો બંધ કરી દેવાયો છે. આ તમામ કાર્યવાહી કરવા છતાં માત્ર 15.92 લાખની ઉઘરાણી થઈ છે. જ્યારે 1 એપ્રિલથી અત્યાર સુધીમાં 331 કરોડ રૂપિયાના વેરાની આવક થઈ છે.

મનપાની ફૂડ શાખા અલગ અલગ સ્થળોએ ચેકિંગમાં હતી એ દરમિયાન નાનામવા રોડ પર આવેલા રઘુરાઈ ફૂડ ઝોનની તપાસ કરાઈ હતી. સ્થળ પર વેચાણ માટે રાખવામાં આવેલા વાસી અખાદ્ય એક્સપાયરી વીતી ગયેલા સોસ, સિઝનિંગ, ટોર્ટિલા તથા બ્રેડનો અંદાજિત 14 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે તથા લાઇસન્સ મેળવી લેવા નોટિસ ફટકારવામાં આવી છે. જોકે સેમ્પલ લેવામાં આવ્યા નથી. આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ ફૂડ ટેસ્ટિંગ વાન સાથે અમૂલ સર્કલથી હુંડાઇ શો-રૂમ તથા જામનગર રોડ નાગેશ્વર વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *