મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ભગવતીપરા મેઇન રોડ પર આવેલી 3 નોનવેજની રેસ્ટોરન્ટમાં દરોડો પાડી 21 કિલોગ્રામ અખાદ્ય પદાર્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
મનપા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભગવતીપરા મેઇન રોડ પર ભારત પાન સામે આવેલા ‘ગોસિયા કેટરર્સ’ પેઢીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય નોનવેજ પ્રિપેર્ડ ફૂડ તથા દાઝિયું તેલ મળી આવતા અંદાજિત 12 કિ.ગ્રા.વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ‘કાદરી રેસ્ટોરન્ટ’ પેઢીની તપાસ કરતાં સ્થળ પર એક્સપાયરી થયેલ બેકરી પ્રોડકટ્સ તથા વાસી અખાદ્ય પ્રિપેર્ડ ફૂડ મળી આવતા 6 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરાયો હતો અને KGN કેટરર્સ(ન્યૂ બોમ્બે બિરિયાની) પેઢીની તપાસ કરતાં સ્થળ પર વાસી અખાદ્ય નોનવેજ પ્રિપેર્ડ ફૂડ મળી આવતાં 3 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરાયો હતો. તેમજ આ ત્રણેય પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ મેળવવા નોટિસ અપાઈ હતી. ઉપરાંત ‘કોલકાતા બિરિયાની’ પેઢીની તપાસ કરી સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ મેળવવા નોટિસ આપવામાં આવી હતી.
મનપાની ફૂડ શાખાએ 9-સમ્રાટ ઇન્ડ.એરિયામાં કનેરિયા મિલ પાસે ગોકુલધામ સામે બિલશાન બેવેરેજિસમાંથી બિલશાન પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર, પરશુરામ ઇન્ડસ્ટ્રિયલ એરિયા-1 શેરી નં. 01માં આવેલા ક્રિસ્ટલ બેવેરેજિસમાંથી બિલકિંગ પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર, જય સીયારામ ઇન્ડ.એસ્ટેટ-2માં ભગવતી કોલસા સામે પ્લોટ નં.10માં આવેલા કેકેઆર ટ્રેડીમાંથી સીકે ઓઝોનાઇઝ્ડ પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર અને મારુતિ ઇન્ડ.એરિયામાં બ્રિસવેલ બેવેરેજિસમાંથી બ્રિસવેલ પેકેજ્ડ વોટરના સેમ્પલ લઇ તપાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.