લોકસભાના પ્રથમ તબક્કામાં 21 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. સીટોની દૃષ્ટિએ આ સૌથી મોટો તબક્કો છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.
પીએમ મોદીએ વોટિંગ પહેલા વોટ આપવાની અપીલ કરી હતી. તેમણે હિન્દી, તમિળ, મરાઠી સહિત 5 ભાષાઓમાં ટ્વીટ કર્યું.
વોટર ટર્નઆઉટ એપ મુજબ બપોરે 1 વાગ્યા સુધી ત્રિપુરામાં સૌથી વધુ મતદાન થયું હતું. અહીં 53.04% મતદાન થયું હતું. સૌથી ઓછું મતદાન લક્ષદ્વીપમાં થયું હતું, જ્યાં 30% મતદાન થયું હતું. 21 રાજ્યોમાં સરેરાશ 25% મતદાન થયું છે.
વોટિંગ દરમિયાન મણિપુરના બિષ્ણુપુરમાં ગોળીબાર, બંગાળના કૂચબિહારમાં હિંસા અને છત્તીસગઢના બિજાપુરમાં ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો.
2019માં આ 102 લોકસભા બેઠકોમાંથી, ભાજપે 40, ડીએમકે 24 અને કોંગ્રેસ 15 જીતી હતી. અન્યને 23 બેઠકો મળી હતી. આ તબક્કામાં મોટા ભાગની બેઠકો માટે આ ત્રણ પક્ષો વચ્ચે જંગ છે.
પ્રથમ તબક્કામાં 1,625 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી 1,491 પુરુષ અને 134 મહિલા ઉમેદવારો છે. આ વખતે 8 કેન્દ્રીય મંત્રીઓ, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ પણ મેદાનમાં છે.
આ તબક્કા બાદ બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે. કુલ 7 તબક્કામાં 543 બેઠકો માટે 1 જૂને મતદાન સમાપ્ત થશે. તમામ બેઠકોનાં પરિણામ 4 જૂને આવશે.