ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2025-2026 માટેનું કેલેન્ડર જાહેર કર્યું છે. બોર્ડે તમામ ધોરણની પરીક્ષા, શૈક્ષણિક કાર્યના દિવસો, ઉનાળુ અને દિવાળી વેકેશન સહિતની તારીખો પણ આ કેલેન્ડરમાં જાહેર કરી છે. ચાલુ વર્ષે પહેલીવાર બોર્ડની પરીક્ષા માર્ચની બદલે ફેબ્રુઆરીમાં લેવાઈ હતી, આવતા વર્ષે પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન લેવાનાર હોવાનું શૈક્ષણિક કેલેન્ડરમાં જાહેર કરાયું છે. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા 16થી 26 જૂન દરમિયાન લેવાશે.
શિક્ષણ બોર્ડ દ્વારા દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન અને બોર્ડની પરીક્ષા સહિતની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે. જેમાં કેટલા દિવસ સ્કૂલ શરૂ રહેશે, શાળાઓમાં પરીક્ષા ક્યારે યોજાશે, ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખ જાહેર, વેકેશનના દિવસો, જાહેર રજાની માહિતી સહિતની તમામ બાબતો સમાવિષ્ટ કરવામાં આવી છે. પ્રથમ સત્રમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 105 દિવસ જ્યારે બીજા સત્રમાં 144 દિવસ મળશે. 16 ઓક્ટોબરથી 05 નવેમ્બર સુધી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. ત્યારબાદ 06 નવેમ્બરથી શાળાઓમાં બીજું સત્ર શરૂ થશે.
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા કેલેન્ડરમાં જણાવ્યું છે કે, ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 11થી 20 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે. જ્યારે દ્વિતીય પરીક્ષા 16થી 24 જાન્યુઆરી-2026 દરમિયાન લેવાશે. ધોરણ-9ની પ્રખરતા શોધ કસોટી તારીખ 28 જાન્યુઆરીએ લેવાનાર છે. બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પ્રાયોગિક પરીક્ષા ધો.12 સાયન્સની 05થી 13 ફેબ્રુઆરી દરમિયાન લેવાશે. ધોરણ 10 અને 12ની બોર્ડની મુખ્ય પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન લેવાશે. ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 09થી 20 એપ્રિલ-2026 દરમિયાન લેવાશે. રાજકોટ સહિત રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં આ કેલેન્ડર લાગુ થશે.