રાજકોટના સ્માર્ટ સિટી ખાતે આગામી તા.6 અને 7ના રોજ યોજાનાર એર શો માત્ર રોમાંચક નજારો જ નહીં, પરંતુ શહેર માટે ગૌરવની ક્ષણો ભરેલો કાર્યક્રમ બનવાનો છે. આકાશમાં તેજ રફતારે ગર્જતા વિમાનો, એરોમોડેલિંગના સ્ટંટ અને હજારો લોકોની ભીડની વચ્ચે મહાનગરપાલિકા સામે સુરક્ષાનો મોટો પડકાર પણ છે ત્યારે બચાવની કામગીરી કરવામાં વિલંબ ન થાય તે માટે ફાયર બ્રિગેડના 200 જવાનોને તૈનાત કરાશે. જે આગ, ટેક્નિકલ એક્સિડન્ટ કે રેસ્ક્યૂ જેવી સ્થિતિમાં મદદરૂપ થશે.
મહાનગરપાલિકાના ફાયર શાખાના સૂત્રોએ જણાવ્યા અનુસાર કુલ 200 ફાયર હીરો અટલ સરોવર ખાતે બે દિવસ માટે તૈનાત કરવામાં આવશે જેમાંથી 100 ફાયર જવાનોને અટલ સરોવર ફરતે 7 બોટ અને રેસ્ક્યૂના સાધનો સાથે તૈનાત કરાશે. આમ સરોવરને ફરતે 100 સુરક્ષા જવાનોનું કવચ તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ અટલ સરોવરના 6 ગેટ પાસે 6 ફાયર ફાઇટર મૂકવાનું આયોજન કરાયું છે. આ તમામ ફાયર ફાઇટરમાં ફાયર જવાનોને સ્ટેન્ડ ટુ રખાશે. જેથી કોઇ દુર્ઘટના કે ગભરાટની સ્થિતિ સર્જાય તો તુરંત હેલ્પ મળી શકે.
આ ઉપરાંત 5 એમ્બ્યુલન્સ અને 5 ઇમર્જન્સી સર્વિસ 108ની ગાડીઓ મેડિકલ ટીમો સાથે તૈનાત કરાશે આથી કોઇ દુર્ઘટના થાય અને મેડિકલ ટીમની જરૂર પડે તો તુરંત સહાય મળી શકે. રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત એર શો થવા જઇ રહ્યો છે અને તેમાં પણ શનિવાર અને રવિવારની રજાનો જોટાનો લાભ લોકોને મળ્યો છે ત્યારે આ એર શો જોવા મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોથી લઇને વૃદ્ધો સુધીના લોકો ઊમટી પડશે તેમાં બે મત નથી ત્યારે કોઇપણ દુર્ઘટના બને તો તેને પહોંચી વળવા તંત્ર એલર્ટ બન્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, રાજકોટ મનપાના ઇતિહાસમાં પણ આ સૌથી મોટો ફાયર બંદોબસ્ત પ્રથમ વખત ગોઠવવામાં આવ્યો છે.