શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને નશાખોરો બેફામ બને નહીં તે માટે પોલીસ સક્રિય બની છે અને વાહન ચેકિંગ સહિતની ઝુંબેશ સઘન બનાવાઇ છે ત્યારે એસઓજીની ટીમે ભાવનગર રોડ પર રિક્ષામાં નશીલા પદાર્થ સાથે બેઠેલા બે શખ્સને ઉઠાવી લઇ તેમની પાસેથી રૂ.5,94,750નો 3 કિલો 965 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો.
સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પીઆઇ એસ.એમ.જાડેજાને માહિતી મળી હતી કે, ભાવનગર રોડ પર શાળા નં.13 પાસે રિક્ષામાં બેઠેલા બે શખ્સ પાસે માદક પદાર્થનો મોટો જથ્થો છે અને ગણતરીની મિનિટોમાં આ બંને શખ્સ નશીલો પદાર્થ સગેવગે કરી નાખશે. હકીકત મળતાં જ પીઆઇ જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી અને રિક્ષાને કોર્ડન કરી લીધી હતી. પોલીસે તલાશી લેતા રિક્ષામાંથી શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો મળ્યો હતો. એફએસએલ નિષ્ણાતને બોલાવતા તેમણે આ જથ્થો ચરસનો હોવાનું સ્પષ્ટ કરી દીધું હતું.
પોલીસે રૂ.5,94,750ની કિંમતનો 3.965 કિલોગ્રામ ચરસ, બે મોબાઇલ અને રિક્ષા સહિત કુલ રૂ.6,59,750નો મુદ્દામાલ જપ્ત કરી રિક્ષામાં બેઠેલા લલૂડી વોંકળી પાસે રહેતા શબ્બીર સલીમ શેખ(ઉ.વ.32) અને સહકાર મેઇન રોડ પર કલ્યાણ હોલ નજીક રહેતા અક્ષય કિશોર કથરેચા (ઉ.વ.30)ની ધરપકડ કરી હતી. ચરસનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે સહિતના મુદ્દે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.