રાજકોટ સિવિલમાં 2 નર્સ પર દર્દીના પરિવારનો હુમલો

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અવારનવાર દર્દીના પરિવારજનો અને ડોકટર કે નર્સ વચ્ચે માથાકૂટના બનાવો સામે આવતા રહે છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં વોર્ડ નં-10માં દાખલ દર્દીના પરિવારજનો અન્ય દર્દીને માર મારતા હોવાથી વોર્ડમાં હાજર બે નર્સ વચ્ચે પડતા દર્દીના પરિવારજનો દ્વારા બંને નર્સ ઉપર હુમલો કર્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગની ઉપર આવેલા વોર્ડ નંબર-10માં અબ્બાસભાઈ હારૂનભાઈ (54) અને બેડીનાકા ટાવર નજીક રહેતો દિપાંકર (34) નામના બે દર્દીઓ દાખલ હતા. આ દરમિયાન અબ્બાસભાઈના પરિવારજનોએ દિપાંકરને મારવાનું શરું કરી દીધુ હતુ ત્યારે તેને બચાવવા વચ્ચે પડતી 2 જુનિયર લેડી નર્સને અબ્બાસભાઈના પરિવારજનોએ માર માર્યો હતો અને એક નર્સને તો અડપલાં કર્યાનું જાણવા મળી રહ્યું છે.

સિવિલ હોસ્પિટલના નર્સિંગ વિભાગનાં યુનિયન સેક્રેટરી હેમાબેન અગ્રાવતે જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે કિડનીની બીમારીને કારણે દાખલ અબ્બાસભાઈના પરિવારજનો દ્વારા અન્ય દર્દી દિપાંકરને માર મારવામાં આવતો હતો ત્યારે આ સમયે વોર્ડમાં ફરજ બજાવતી બે નર્સ સમાધાન માટે વચ્ચે પડી હતી અને કહ્યું હતું કે, વિડ્રોઅલ આલ્કોહોલિઝમ નામની બીમારી ધરાવતા દર્દી અજાણતા ખરાબ વર્તન કરી બેસે તો તેને મારવાનું ન હોય. જેથી, ત્યારે અબ્બાસભાઈના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને એક નર્સનું કબાટ સાથે માથું ભટકાવ્યું હતુ તો અન્ય નર્સને અડપલા કરવામાં આવ્યા હતા પરંતુ, લેડી નર્સ જુનિયર છે અને માતા-પિતાના ડરે પોલીસ ફરિયાદ કરવા માગતી નથી. જેથી, તેને પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં સાદી અરજી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *