શેરબજારમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળે તેવી વાતો કરી લોકો સાથે છેતરામણીના અગાઉ અનેક કિસ્સા બન્યા છે ત્યારે રાજકોટના ઇમિટેશનના વેપારી અને તેના સંબંધીઓને આઇપીઓમાં રોકાણ કરવાથી મોટું વળતર અપાવવાની ખાતરી આપી એક શખ્સે રૂ.2,23,70,000ની છેતરપિંડી કરી હતી. કરોડોની ઠગાઇ કરનાર શખ્સ ત્રણ વર્ષથી ભૂગર્ભમાં ઉતરી ગયો હોય પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.
કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામેના રામપાર્કમાં રહેતા ઇમિટેશનના વેપારી જીજ્ઞેશભાઇ રમેશભાઇ વ્યાસે (ઉ.વ.51) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રકાશ રતનશી ચુડાસમાનું નામ આપ્યું હતું. જીજ્ઞેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પુષ્કરધામ મેઇન રોડ પર આવેલી પટેલ વેલ્થ નામની શેરબજારની ઓફિસમાં ઓફિસર તરીકે કામ કરતાં પ્રકાશ ચુડાસમા સાથે પાંચેક વર્ષથી પરિચય હતો. વર્ષ 2021માં પ્રકાશે કહ્યું હતું કે, આઇપીઓમાં રોકાણ કરો તો તમને ઊંચું વળતર મળશે. ત્યારબાદ પ્રકાશે વેપારી જીજ્ઞેશભાઇને મળવાનું વધારી દીધું હતું અને તેમને વિશ્વાસમાં લઇ લીધા હતા. જીજ્ઞેશભાઇઅે રૂ.10 લાખનો ચેક રોકાણપેટે આપ્યો હતો અને કટકે કટકે તેમણે 52.50 લાખનું રોકાણ કર્યું હતું. જીજ્ઞેશભાઇએ તેમના ભાઇઓ અને પરિચિતો સહિત અન્ય 15 લોકો પાસે પણ રોકાણ કરાવ્યું હતું અને ટૂંકાગાળામાં તમામ 16 લોકોના થઇ કુલ રૂ.2,23,70,000નું રોકાણ કરી દીધું હતું.