આધુનિક સમયમાં ઓનલાઈન છેતરપિંડીનાં બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અજાણી લિંક પર ક્લિક કરતાની સાથે જ બેંક ખાતામાંથી રૂપિયા ઉપડી જવાના કિસ્સાઓ વધી રહ્યા છે. તો વિવિધ પ્રકારની લાલચ આપી ગઠિયાઓ ઓનલાઈન ફ્રોડ કરતા હોય છે, ત્યારે રાજકોટ એ-ડિવિઝન પોલીસમાં પણ બીટકોઈન અને શેરબજારમાં રોકાણ કરી રૂપિયા કમાવા સહિતની લાલચ આપી લાખોની છેતરપિંડી થવાની ફરિયાદો સામે આવી હતી. જોકે એ-ડિવિઝનની સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આવા 8 અરજદારોને રૂપિયા 2.05 લાખની રકમ પરત મેળવી દેવામાં આવી છે.
પ્રથમ બનાવમાં અરજદાર મીરલ શૈલેષભાઇ દુધાગરાને ટેલીગ્રામ ચેનલ BITCOIN VIJAY TRREDERSના માધ્યમથી બીટકોઇનમાં રોકાણ કરી ઓછા સમયમા પૈસા કમાવાવાની લોભામણી લાલચ અપાઈ હતી. જેને પગલે અરજદાર લાલચમાં આવી જતા સામાવાળાએ સાયબર ફ્રોડ કર્યું હતું. જેના 34,250 પોલીસે પરત અપાવ્યા છે. જ્યારે બીજા બનાવમાં અરજદાર સાદ સુજાઉદીન કારબાનીને તેમના કોઇ સગા વાત કરે છે. તેવી ઓળખ ઉભી કરી તાત્કાલીક હોસ્પીટલના કામે પૈસાની જરુર હોવાનું જણાવ્યું હતું. બાદમાં ખોટો પૈસા જમા થયાનો મેસેજ મોકલતા અરજદારે મેસેજ વાંચી પોતાના એકાઉન્ટમાથી સામાવાળાને પૈસા મોકલ્યા હતા. આવી રીતે સાયબર ફ્રોડનાં બનાવમાં પોલીસે 7,000 પરત અપાવ્યા છે.
ત્રીજા બનાવમાં અરજદાર શીવાંગી રાહુલભાઇ જોષીને BARCLYS નામની એપ્લિકેશન દવકરક શેરબજારમાં ટ્રેડીંગ કરી પૈસા કમાવવાની લાલચ આપવામાં આવી હતી. આ રીતે તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા. જોકે પોલીસે તેમને 10,000 પરત અપાવ્યા છે. તો ચોથા બનાવમાં અરજદાર દીક્ષીત નુતનભાઇ શાહ પાસે તેના ફેસબુકમાં Bina Mithani ID વાળા ફેસબુકમાંથી 13,000 માંગવામાં આવ્યા હતા. પોતે તેને ઓળખતા હોવાથી 13,000 પેમેન્ટ કર્યું હતું. પરંતુ પાછળથી આ ફેસબુક આઇડી કોઇએ હેક કરી ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે પૂરેપૂરી રકમ પરત અપાવી છે.