ગુજરાત ગેસ દ્વારા રૂ.2000થી વધુનું ગેસનું બિલ હોય તો ચેક કે રોકડા નહીં સ્વીકારવાનો નિર્ણય કરતા દેકારો મચી ગયો હતો. ગુજરાત ગેસના આવા નિર્ણયથી ગ્રાહકો અને કલેક્શન સેન્ટર સંચાલકોમાં રોષ ફેલાયો હતો. આ અંગે બિલ કલેક્શન એજન્સી એસોસિએશન દ્વારા ગુજરાત ગેસના મેનેજરને આ અંગે લેખિત રજૂઆત કરી છે, પરંતુ હવે 2 હજારથી વધુના ગેસબિલ હવે રોકડ અને ચેક બંનેમાં સ્વીકારાશે. બિલ કલેક્શન એસોસિએશન દ્વારા જણાવાયું છે કે, માજી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ દ્વારા ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ સાથે ટેલિફોનિક વાત કરતા ઊર્જામંત્રીએ ગુજરાત ગેસના અધિકારીઓને સૂચના આપી હતી કે, જે રૂ.2 હજારથી વધુનું ગેસબિલ રોકડ અથવા ચેકથી લેવાનું બંધ કર્યું હતું તે હવે રાબેતા મુજબ બધા બિલ કલેક્શન સેન્ટરોમાં રોકડ અને ચેકથી પેમેન્ટ સ્વીકારાશે.
રાજકોટ શહેરના મોટાભાગના ડોમેસ્ટિક કસ્ટમરનું બિલ રૂ.2 હજારથી વધુ આવતું હોય છે, મોટાભાગના પાઈપગેસના ગ્રાહકો ગેસનું બિલ રોકડેથી જ બિલ કલેક્શન સેન્ટરમાં ભરતા હોય છે. અગાઉ રૂ.2000થી વધુના બિલ રોકડા કે ચેકથી નહીં સ્વીકારવાના નિર્ણય સામે શહેરના તમામ બિલ કલેક્શન સેન્ટર સંચાલકોએ અચોક્કસ મુદતની હડતાળ પણ પાડી હતી. રાજકોટમાં આશરે 1.50 લાખથી વધુ પાઈપગેસના ગ્રાહકો છે. મોટાભાગના ગ્રાહકોનું બે મહિનાનું ગેસનું બિલ રૂ.2000થી વધુ આવતું હોય છે. દરેક વ્યક્તિ ઓનલાઈન ગેસ બિલ ભરી શકતો નહીં હોવાથી અત્યાર સુધી બિલ કલેક્શન સેન્ટરમાં રોકડા પૈસા ભરીને ચૂકવણી કરી શકાતી હતી, પરંતુ થોડા મહિના પહેલાં ગેસ કંપનીએ રૂ.2000થી વધુનું બિલ રોકડા કે ચેકથી લેવાની મનાઈ કરી દીધી હતી.