કોઠારીયા સોલ્વેન્ટ પાસે રેલ્વે ફાટક પાસે ટ્રેનની ઠોકરે અજાણ્યા વૃદ્ધનુ મોત નીપજ્યું હોવાની માહિતી મળતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવ સ્થળ આસપાસ તપાસ કરતા ફાટક પાસેથી બાઈક આવ્યુ હતુ. જેના આધારે મૃતકના પરિવારજનો મળી આવતા મૃતક પંકજભાઈ શાંતીલાલ પોપટ (ઉં.વ. 58, રહે.હરીદ્વાર સોસાયટી, કોઠારિયા સોલ્વન્ટ) હોવાનું માલુમ પડ્યું હતુ. મૃતક ચાની હોટલ ચલાવતા હતા અને તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. કેટલાક સમયથી કાનમાં દુ:ખાવાની બિમારી હોય અને સારવાર પણ કરાવી હોવા છતા સારૂ નહી થતા બિમારીથી કંટાળી પગલુ ભરી લીધાનું અનુમાન છે. જ્યારે બીજા બનાવમાં ખેંગારભાઈ જેમલભાઈ ડોડીયા (ઉં.વ. 66, રહે.પેડક રોડ)એ બેડી હડમતીયા ગામ પાસે લાલપર બ્રિજ નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકનો જમાદાર યોગેશભાઈ મકવાણા સહીતના દોડી ગયા હતા. મૃતક વૃધ્ધને સંતાનમાં એક પુત્ર છે. તેમને કેટલાક સમયથી કેન્સરની બીમારી હતી. બીમારીના કારણે આપઘાત કર્યાનું અનુમાન છે.
અન્ય બનાવ અંજલીબેન ભાવેશભાઈ રામાણી (ઉ.વ.41, ખોડલધામ સોસાયટી ગેટ નંબર 4, મેંગો માર્કેટની પાછળ, રાજકોટ) તારીખ 26ના રોજ સાંજે 7:30 વાગ્યાં આસપાસ પોતે ઘરે હતી ત્યારે તેમના પતિ ભાવેશે ઝઘડો કરી કાચ વડે માર મારતા હાથના ભાગે ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.અંજલીબેને જણાવ્યું કે, તેમના લગ્ન 5 વર્ષ પહેલા ભાવેશ સાથે થયા હતા પોતે મૂળ મહારાષ્ટ્રની વતની છે અંજલીબેને જણાવ્યું કે તેને આગલા ઘરની એક દીકરી છે અને ભાવેશ સાથે લગ્ન થયા બાદ એક દીકરાનો જન્મ થયો છે. ભાવેશે ગઈકાલે સાંજે કારની ચાવી માંગી હતી પરંતુ મેં તેને કારની ચાવી આપી નહોતી કારણકે તે કાર લઈ ગયા બાદ ગમે ત્યાં મૂકી આવતો હતો. આ બાબતે બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બારીનું કાચ તૂટતા તે તૂટેલો કાચ લઈ ભાવેશે હાથમાં મારી દીધો હતો. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.