કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં 1,950 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું છે. શહેરમાં PPP ધોરણે 12 ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનો, સિંધુભવન અને પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. જૂના વાડજ રામાપીરના ટેકરા ખાતે બનેલા 588 EWS આવાસ યોજનાના મકાનોની પણ ફાળવણી કરી હતી. થલતેજ વિસ્તારમાં PPP ધોરણે અદ્યતન 30 બેડની ફેસેલિટી ધરાવતું કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટર પણ ખુલ્લું મૂક્યું હતું. આ સાથે અમિત શાહે કોંગ્રેસને પર પ્રહાર પણ કર્યો હતો.
અમિત શાહે થલતેજ વિસ્તારમાં PPP ધોરણે બનેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરી તમામ સુવિધાઓ જોઈ હતી. આ તક્કે અમિત શાહે જણાવ્યું હતું કે, પશ્ચિમ વિસ્તારમાં લોકોને મફતમાં આરોગ્યની સુવિધા મળી રહે તે માટે નવું અધ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બન્યું છે. જોકે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આંખના નંબર દૂર કરવાનું મશીન અને MRI મશીન ન હોવાથી એક દાતાને વાત કરી તો બંને મશીન આપવા કહ્યું હતું. તેઓએ મેયર પ્રતિભા જૈનને કહ્યું હતું કે, આંખના નંબર દૂર કરવાનું અને MRI મશીન આવી જાય એટલે તેનો સ્ટાફ અને એક આઈ સ્પેશિયાલિસ્ટ ત્યાં મુકજો. જેથી પશ્ચિમ વિસ્તારના લોકોને VS હોસ્પિટલ સુધી જવું ન પડે.