રાજકોટ જિલ્લા પંચાયતમાં ગુરુવારે આરોગ્ય સમિતિની બેઠક મળી હતી. ચેરમેન લીલાબેન બટુકભાઇ ઠુંમરના અધ્યક્ષસ્થાને મળેલી આરોગ્ય સમિતિની બેઠકમાં ગત એપ્રિલથી ડિસેમ્બર માસ સુધીમાં એટલે કે 9 માસમાં 16 સગર્ભાના મૃત્યુ થવા મુદ્દે બેદરકાર અધિકારીઓનો ભારે ઊધડો લેવાયો હતો અને છેવાડાના ગામ સુધી આરોગ્યની સેવા પહોંચે અને ખાસ કરીને સગર્ભાઓ અને નવજાત શીશુઓને પોષણક્ષમ ખોરાક મળી રહે તે જોવા આરોગ્ય અધિકારીને ચેરમેને તાકીદ કરી હતી.
આ બેઠકમાં રાજકોટ જિલ્લાના 53 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી 23માં સોલાર પેનલ ફિટ થઇ ગઇ હોય બાકીના 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વીજબિલ મુક્ત બનાવવા માટે ધારાસભ્યો અને સાંસદોની ગ્રાન્ટમાંથી સોલાર પેનલો ફિટ કરાવવા નિર્ણય કરાયો હતો. તેમજ રાજકોટ જિલ્લા આરોગ્યમાં ચાલી રહેલી 100 દિવસની ટીબી મુક્ત જિલ્લાની ઝુંબેશમાં ટીબીના દર્દીઓના નિદાન માટે ટી.બી.પોર્ટેબલ એક્સરે મશીન વસાવવા નિર્ણય કરાયો હતો અને તેના માટે રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ મગાશે. હાલમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ટી.બી.મુક્ત ઝુંબેશ અંતર્ગત જામનગરના આરોગ્ય કેન્દ્રે આપેલા મશીન મારફત ટી.બી.નું નિદાનની કામગીરી ચાલી રહી છે.
આ ઉપરાંત જિલ્લા પંચાયત દ્વારા ચાલતા આરોગ્યના નવા બાંધકામના કામોની જાણકારી લેવામા આવી અને ચાલુ તેમજ નવા થનારા બાંધકામોના પેપરો તેમના વિસ્તારના જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચોને આપવામાં આવશે જેથી કરી ભવિષ્યમાં થનારા બાંધકામો ખૂબજ સારી ગુણવત્તાના થઈ શકે.