રાજકોટ અભયમની ટીમ મહિલાઓની સમસ્યા માટે હંમેશા કાર્યરત રહેતી હોય છે. જેમાં મહિલાને તેના પતિ તરછોડીને ચાલ્યા ગયા હોય કે, ઘરેલુ ઝઘડામાં મહિલાઓ માટે અભયમ સહારો છે ત્યારે હવે અભયમ ટીમે 80 વર્ષીય વૃદ્ધાનું તેમના પુત્ર સાથે મિલન કરાવ્યું છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર એક જાગૃત નાગરિકના કોલ બાદ અભયમ ટીમ ત્યાં પહોંચતા એકલવાયા વૃદ્ધા દેખાયા હતા, જેઓ નિઃસહાય હતા અને ઘર ભૂલી ગયા હોય એવું લાગતું હતું. બાદમાં વૃદ્ધાનું તેમના પુત્ર સાથે મિલન કરાવી કાઉન્સેલિંગ કરવામા આવતા વૃદ્ધાના પુત્રએ અભયમ ટીમનો આભાર માની કામગીરીને બિરદાવી હતી.
રાજકોટ શહેરના 150 ફૂટ રોડ પરથી એક જાગૃત નાગરિકનો 181 પર કોલ આવેલ કે એક વૃદ્ધા મળી આવેલ હોય માટે મદદની જરૂર છે. ત્યારબાદ 181 ટીમના કાઉન્સિલર તૃપ્તિ પટેલ, મહિલા હોમગાર્ડ અનુશાબેન પરમાર અને પાયલોટ ગીરીશભાઈ તે વયોવૃદ્ધા પાસે પહોંચેલા અને જોયુ તો વૃદ્ધાની ઉંમર લગભગ 80 વર્ષની આજુબાજુ હતી. જે પછી ટીમ દ્વારા તેમનું કાઉન્સિલિંગ કરવામા આવ્યુ હતુ. જેમાં તેઓ વ્યવસ્થિત તેમનુ સરનામુ આપી શકતા નહોતા. જેથી, ટીમ દ્વારા તેમના પરિવાર વિશે જાણ્યુ તો તેમણે જણાવેલ કે, તેઓ તેમના દીકરા સાથે રહેતા હોય અને તેમની ટ્રાન્સપોર્ટની ઓફિસ છે. જેથી, ટીમ દ્વારા નજીકની અન્ય ટ્રાન્સપોર્ટની ઓફિસ પર પૂછપરછ કરવામા આવી હતી પરંતુ, મળેલ નહીં.