શહેરમાં ડ્રગ્સનું સેવન અને વેચાણ સતત વધી રહ્યું છે. પોલીસે સંક્રાંતની રાત્રીના કુવાડવા રોડ પરથી મટનના ધંધાર્થી અને રાજસ્થાની પેડલરને રૂ.18.14 લાખના હેરોઇનના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ડ્રગ્સના મુખ્ય સપ્લાયર રાજસ્થાની શખ્સ સુધી પહોંચવા પોલીસે કવાયત શરૂ કરી હતી.
કુવાડવા રોડ પર ડીમાર્ટ પાસે બે શખ્સ ડ્રગ્સના જથ્થા સાથે હોવાની માહિતી મળતાં એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ અેમ. આર. ગોંડલિયા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે બે શખ્સની તલાશી લેતા તેની પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. કબજે થયેલું ડ્રગ્સ ક્યુ છે તે સ્પષ્ટ કરવા એફએસએલ અધિકારીની મદદ લેવાઇ હતી અને તેની તપાસમાં ડ્રગ્સ રૂ.18,14,750નું 392,95 ગ્રામ હેરોઇન હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ડ્રગ્સ, ત્રણ મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.18,29,250નો મુદ્દામાલ જપ્ત કરી પરાબજાર પાસે કૃષ્ણનગરમાં રહેતા મટનના ધંધાર્થી ફૈજલ યુસુફ ચૌહાણ (ઉ.વ.25) અને રાજસ્થાનના બોરી ગામના રાજમલ રકમા મીણા (ઉ.વ.23)ની ધરપકડ કરી હતી. ફૈજલ ચૌહાણે કબૂલાત આપી હતી કે, પોતે મટનનો ધંધો કરે છે અને વધુ પૈસા કમાવવા ડ્રગ્સના વેચાણના ધંધે ચડ્યો હતો. રાજસ્થાનથી 392 ગ્રામ હેરોઇન મગાવી તેની અડધા અડધા તોલાની પડીકી બનાવતો હતો અને તે પડીકી રૂ.1500માં બંધાણીને વેચતો હતો.