રાજકોટ શહેર-જિલ્લામાં સ્ટેમ્પ ડ્યૂટી ચોરી પકડી પાડવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુરુવારે 18 આસામીએ સ્ટેમ્પ ડ્યૂટી ચોરી કરી હોવાનું બહાર આવતા તેઓને રૂ.1.07 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્ટેમ્પ ડ્યૂટી કરનારે બાંધકામ ઓછું બતાવી દસ્તાવેજની નોંધણી કરાવી દીધી હતી. ત્યારબાદ ઓડિટમાં બહાર આવ્યું. સ્થળ પર તપાસ કરતાં સ્ટેમ્પ ડ્યૂટીની ચોરીનું કૌભાંડ પકડાયું છે. તેમ સ્ટેમ્પ ડ્યૂટી વિભાગના નાયબ કલેક્ટરે જણાવ્યું છે.
વધુમાં સ્ટેમ્પ ડ્યૂટી વિભાગના નાયબ કલેક્ટરના જણાવ્યાનુસાર ઓડિટમાં સ્ટેમ્પ ડ્યૂટી ચોરી પકડાઈ તે સાબિત થતાં તેઓને પહેલા નોટિસ આપવામાં આવી હતી અને ખુલાસો આપવા જણાવ્યું હતું. આમ છતાં તેઓ તરફથી કોઇ જવાબ નહિ આવતા સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. દરેકે કેસમાં અલગ-અલગ રીતે સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી બહાર આવી છે.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 39 (1,ખ ,2) ની જોગવાઈ અનુસાર બાકી વસૂલાતની રકમ હુકમ કર્યા તારીખથી 90 દિવસ સુધીમાં સ્ટેમ્પ ડ્યૂટીની રકમ ભરપાઈ નહિ કરવામાં આવે તો તેના પર 12 ટકાના દરે વ્યાજ લાગુ પડી શકે છે અને સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી કરનારે દંડની સાથે વ્યાજની પણ ભરપાઈ કરવાની રહેશે.
સામાન્ય રીતે સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી થાય છે કે નહિ ?તેની નિયમિત તપાસ થતી હોય છે. જે દસ્તાવેજોની નોંધણી થાય તેની ચકાસણી પણ થતી હોય છે. તેમજ કેટલાક એડવોકેટ જમીન-મકાન ખરીદી કરનારને ગેરમાર્ગે દોરતા હોય છે, પરંતુ દરેક બાબતોનું નિરીક્ષણ કરાતું હોય છે અને સિસ્ટમ સાથે ડેટા પણ મેચ કરાતો હોય છે. કુલ 18 આસામીને નોટીસ ફટકારવામાં આવી છે.