રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ 18મી જાન્યુઆરીએ મળનાર છે. આ બોર્ડમાં આઠ દરખાસ્તો પર નિર્ણય લેવાશે. આ દરખાસ્તોમાં વાવડીમાં પ્રધાનમંત્રી આવાસ હેઠળ નિર્મિત મનસુખ છાપિયા ટાઉનશીપમાં આવેલા કોમ્યુનિટી હોલનું નામકરણ કરીને રંજનબેન રાવલ કોમ્યુનિટી હોલ નામ આપવાની છે. જ્યારે વોર્ડ નં. 11માં પંચશીલનગર પાસેના ચોકને કલ્પેશ સાગઠિયા ચોક નામકરણ કરવાનો પણ ઠરાવ છે.
આ સિવાયની દરખાસ્તમાં રાજકોટ રનર્સ એસોસિએશનને મેરેથોનના આયોજન માટે રેસકોર્સથી દોડ શરૂ કરવી હોઈ ગ્રાઉન્ડનો મફતમાં ઉપયોગ કરવાની દરખાસ્ત છે. સૌથી મહત્વની બાબત એ છે કે, આ મેરેથોન મફતમાં ન હતી પણ તેની તગડી ફી લેવામા આવી હતી. આ ઉપરાંત બીજા પણ અન્ય સ્પોન્સર હતા. આ ઉપરાંત પોલીસ અને મનપાના નબળા ટ્રાફિક આયોજનને લીધે રાજકોટ શહેરમાં ભારે સમસ્યા સર્જાઈ હતી જ્યારે આયોજકો તો પોતાના બ્રાન્ડિંગમાં જ વ્યસ્ત હતા. લાખો રૂપિયાની ફી લઈને મેરેથોનનું આયોજન કરતી સંસ્થાને મફતમાં રેસકોર્સ ગ્રાઉન્ડની સુવિધા અપાઈ છે તે દરખાસ્તને બહાલી આપવા અંગે નિર્ણય લેવામાં આવશે.