રાજકોટમાં 48 કિ.મી.ના માર્ગ પર 1723 ખાડા, 1450નું ત્વરિત બૂરાણ

રાજકોટ શહેરમાં કુલ 48 કિ.મી.ની લંબાઇના ડામર રસ્તાઓ ઉપર 1723 ખાડા પડ્યા છે તેવો રિપોર્ટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સાથેની વીડિયો કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઝોનમાં 1, 11 અને 12, સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.13 અને ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં.18માં ડામર રસ્તાઓને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. શહેરના 1723 ખાડામાંથી 1450 ખાડા બુરાઇ ગયાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે. મુખ્યમંત્રીએ સોમવારે શહેરમાં રસ્તાના ધોવાણ બાબતે વીડિયો કોન્ફરન્સમાં સમીક્ષા કર્યા બાદ સોમવારે રાતથી અધિકારીઓ મોડીરાત્રે અધિકારીઓ રસ્તા રિપેર કરાવવા રસ્તામાં ઉતરી પડ્યા હતા.

રાજકોટમાં હજુ મોસમનો 20 ઇંચ વરસાદ પણ નથી પડ્યો ત્યાં મહાનગરપાલિકાની નબળી કામગીરીની પોલ ખૂલી ગઇ છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇનના કામો, ભૂગર્ભ ગટરના કામો માટે મોટાપાયે ખોદકામ દરમિયાન મે અને જૂન માસમાં જ મેઘરાજાએ પધરામણી કરતાં મોટાભાગના માર્ગો પરથી પસાર થવાનું મુશ્કેલ બન્યું છે અને વાહનચાલકો અને રાહદારીઓ હેરાન થઇ રહ્યા છે.

એક પ્રાથમિક અંદાજ મુજબ રાજકોટમાં 48 કિ.મી.ના રસ્તાઓ પર મોટા-મોટા 1723 ખાડાઓ પડી ગયા છે. જેમાંથી 32 કિ.મી.ના લગભગ 1450 જેટલા ખાડા બુરાઇ ગયાનો તંત્ર દાવો કરી રહ્યું છે. ગાંધીનગરથી ઉધડો લેવાયા બાદ ડેપ્યુટી કમિશનર, સિટી એન્જિનિયર સહિતની 40 અધિકારીની ટીમ કામે લાગી છે. ત્રણે ઝોનમાં 11 જેસીબી, 40 ટ્રેક્ટર, 4 રોડ રોલર કામે લાગ્યા છે. સૌથી વધુ વેસ્ટ ઝોનમાં 1281, સેન્ટ્રલ ઝોનમાં 126 અને ઇસ્ટ ઝોનમાં 316 ખાડા પડતાં રસ્તાને નુકસાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *