મોટામવામાં રહેતા કોલેજિયન યુવક તેના બે મિત્ર સાથે એક્ટિવામાં ટ્રિપલસવારીમાં જતા હતા ત્યારે ભૂતખાના ચોક પાસે બે અજાણ્યા શખ્સે પોલીસની ઓળખ આપી અટકાવ્યા હતા અને તમે ટ્રિપલસવારીમાં કેમ નીકળ્યા તેમ કહી ચાવી કાઢી લીધી હતી. બાદમાં તેને અમારો શું વાંક છે તેમ કહેતા તમારો વાંક અમારા સાહેબ આવે પછી નક્કી થશે કહી ફોન કરતાં વધુ બે શખ્સ આવ્યા હતા અને ચડ્ડો પહેરીને ફરે છે. ચાલો તમને પોલીસ ચોકીએ લઇ જવાના છે અને પાંચ લાખની માંગ કરી હતી.
નાનામવા રોડ પર દેવનગરમાં રહેતો અભય અશ્વિનભાઇ મૂછડિયા (ઉ.21) નામનો કોલેજિયન યુવક બુધવારે રાત્રીના તેના મિત્ર નયન મકવાણા અને ક્રિશ વાઘેલા સાથે એક્ટિવા લઇને ટ્રિપલસવારી આજી ડેમ ચોકડી નજીક અમૂલ સર્કલ પાસે ઇંડાં ખાવા ગયા હતા. બાદમાં તે ઘેર આવતા હતા ત્યારે ચુનારાવાડ ચોકમાં પાન-માવો ખાવા ઊભા રહ્યા હતા અને ત્યાંથી કોઇ બાઇકસવાર બેલડી તેનો પીછો કરતાં હતા અને ભૂતખાના ચોક પાસે અટકાવ્યા હતા અને તમે ત્રણ સવારીમાં કેમ છો, એમ કહી એક શખ્સે એક્ટિવાની ચાવી કાઢી લીધી. અને પોલીસના નામે ધમકાવી રૂ.17 હજાર પડાવી લીધાનું જણાવી ફરિયાદ કરતાં પીએસઆઇ જેઠવા સહિતના સ્ટાફે ગુનો નોંધી બે શખ્સને સકંજામાં લઈ બેની શોધખોળ શરૂ કરી છે.
કોલેજિયનો પર નકલી પોલીસે રોફ જમાવતા યુવકે કહ્યું અમારો વાંક શું છે. જેમાં એક શખ્સે અમે પોલીસ છીએ અને સાહેબ આવે પછી ખબર પડે તમારો વાંક શું છે કહી ફોન લાગાવી વાત કરી હતી. ત્યાર બાદ બાઇકમાં વધુ બે શખ્સ આવ્યા હતા અને તમે ચડ્ડો પહેરીને ફરો છો ચાલો તમને પોલીસ ચોકીએ લઇ જવાના છે કહી પાંચ લાખની માંગ કરી હતી. જેથી તેને અમારો કોઇ વાંક ન હોય પૈસા આપવાની ના પાડી હતી. જેથી એક શખ્સે પૈસા તો તમારે આપવા જ પડશે નહીં આપો તો તમને રેપ કેસમાં પોપટપરાની જેલમાં ત્રણ માસ પુરાવી દઇશ કહી અમારા ખિસ્સાં ચેક કર્યા હતા. જેમાં મિત્ર નયનના ખિસ્સામાંથી 7 હજારની રોકડ કાઢી લીધી હતી. બાદમાં મોબાઇલ ચેક કરી અમારા મોબાઇલમાં ફોન પે હોય 10 હજાર તો આપવા જ પડશે કહેતા તેને મિત્ર પૃથ્વીરાજસિંહ ચૌહાણને ફોન કરી અમને પોલીસે રોક્યા છે ઇમર્જન્સી 10 હજારની જરૂર છે કહેતા તેને 10 હજાર ફોન પે કર્યા હતા. જેથી શખ્સોએ એટીએમમાંથી પૈસા ઉપાડવાનું કહ્યું હતું, પરંતુ ત્યાં કોઇ એટીએમ ન હોય જેથી એક શખ્સે તેના મોબાઇલમાં કોઇનું સ્કેનર મગાવી 10 હજારની રોકડ ટ્રાન્સફર કરાવી લીધા હતા અને તમને વાત કરતાં પણ નથી આવડતું પોલીસનું નામ ન લેવાય એક્સિડેન્ટ થયું છે એમ કહેવાય કહી તે નાસી ગયા હતા. બાદમાં અભયએ ઘેર જઇને તેના મોટાભાઇ મેહુલભાઇને વાત કરી હતી અને મામલો અસલી પોલીસ પાસે પહોંચ્યો હતો.