જેતપુર નગરપાલિકામાં પ્રમુખ ચૂંટાયાને હજુ બે જ મહિના થયા છે ત્યાં જ 17 સમિતિના ચેરમેનને પ્રમુખની કામગીરી સામે અસંતોષ છલકાવા લાગ્યો છે અને આ સભ્યો પ્રમુખ અમારું કામ નથી કરતા, અમારું સાંભળતા જ નથી તેવી નારાજગી વ્યક્ત કરવા જેતપુર ડાઇંગ એસોસિએશનના પ્રમુખ પાસે રજુઆત કરવા દોડી ગયા હતા જ્યાં એસો. પ્રમુખે નારાજ સભ્યોને સાંભળ્યા હતા અને તેમની મુલાકાત ધારાસભ્ય સાથે કરાવી આપશે તેવી બાંહેધરી આપી હતી. બીજી તરફ આ સભ્યોએ પોતાની નારાજગી દૂર નહિ થાય તો અવિશ્વાસની દરખાસ્તની તૈયારી કરી લીધી હોવાનું જાણવા મળતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કુલ 44 બેઠકમાંથી 32 બેઠક જીતી સત્તાનું સુકાન સંભાળ્યું. જેમાં પ્રમુખ તરીકે મેનાબેન રાજુભાઇ ઉસદડીયાએ ભાજપ, અપક્ષ મળીને કુલ 41 સભ્યના સમર્થન સાથે ભારે બહુમતીથી સતા સંભાળી હતી. મેનાબેને પાલિકાની વિવિધ કમિટીની રચના કરી તમામ કમિટીના ચેરમેનની 28 એપ્રિલે જાહેરાત કરી હતી. ગણતરીના દિવસોમાં જ 17 કમિટીના ચેરમેન પ્રમુખ સામે બળવાના મૂડમાં આવી ગયા છે. જો કે આ અંગે નારાજ સભ્યોએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, પ્રમુખ અમારા વિસ્તારના કોઈ કામ કરતા જ નથી અને અમને કોઈ કામનું કઈ પૂછતાં નથી નગરપાલિકામાં પ્રમુખ સરમુખત્યારશાહી ચલાવે છે.