ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કાજ ગામે દરિયાકાંઠાની 70 હેક્ટર એટલે કે 170 એકર જેટલી દરિયાકાંઠાની જમીનમાં ગેરકાયદે ચાલતા ઝીંગા ફાર્મને લઈને એન્ટિ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વેલણ મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળીના હોદ્દેદારો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીના વેવાણ જાનુબેન લક્ષ્મણ ઝાલાનો પણ સમાવેશ થાય છે. કોડીનાર મામલતદારે કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ કાજ ગામે તત્કાલીન કલેક્ટરે તા.17-09-2014ના દિવસે વેલણ મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળીને 50 હેક્ટર જમીન ફાળવી હતી.
જોકે આ હુકમ સામે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે જમીન ફાળવણીનો હુકમ રદ કરવા ભલામણ કરી હતી જેથી 20-10-2014ના દિવસે આ હુકમ રદ કરી દેવાયો હતો. ત્યારબાદ મંડળી દ્વારા કોર્ટમાં અપીલ કરાઈ હતી. ઉપરોક્ત સ્થળે સર્કલ ઓફિસર અને તલાટીને સાથે રાખી તપાસ કરવામાં આવતા આશરે 70 હેક્ટર જમીનમાં 8 ઝૂમખામાં 60 તળાવ બનાવી ઝીંગા ઉછેર કરવામાં આવતું હતું. આ ઉપરાંત 17 ઓરડી અને પમ્પ હાઉસના બાંધકામ કરવામાં આવ્યા હતા. આ સ્થળે ઝીંગા ઉછેર કરવા કે જમીનમાં પ્રવેશ માટે સક્ષમ સત્તાધિકારી દ્વારા કોઇ રજા ચિઠ્ઠી અપાઈ નથી કે કબજો અપાયો નથી આમ છતાં ગેરકાયદે રીતે ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ ચાલે છે.
સહકારી મંડળીના રજિસ્ટ્રારનો સંપર્ક કરતા હાલના હોદ્દેદારોના નામ આપવામાં આવ્યા હતા જેમનો સંપર્ક કરવામાં આવતા નિવેદન આપવા માટે કોઇ હાજર રહ્યું નથી. આ મામલે કોસ્ટલ એક્વાક્લચર ઓથોરિટીનું લાઇસન્સ પણ ન હતું જેથી ઓથોરિટી પાસેથી લિસ્ટ મગાવતા તે વિસ્તારમાં 18ને લાઇસન્સ અપાયાનું જણાવાયું હતું જેમાં હાલ જે ઝીંગા ઉછેર કરે છે તે વેલણ મત્સ્યોદ્યોગ સેવા સહકારી મંડળી લિમિટેડનું નામ નથી. જેથી મંડળીના હાલના હોદ્દેદારોએ અંગત લાભ માટે બિન અધિકૃત રીતે સરકારી જમીનનો કબજો કરી ગેરકાયદે ઝીંગા ઉછેર પ્રવૃત્તિ કરતા હોવાનું માલૂમ પડ્યું છે.