જૂની કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાંથી બિનઅધિકૃત 16 એજન્ટને દૂર કરાયા

રાજકોટની મામલતદાર કચેરીમાં એજન્ટરાજ જોવા મળી રહ્યું છે. આ એજન્ટો પાસે કોઇ પણ લાઇસન્સ ન હોવા છતાં તેઓ ગ્રાઉન્ડમાં બેસીને રેશનકાર્ડ, આવકનો દાખલો, નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ, વિધવા સહાય સહિત અનેક સરકારી યોજનાના ફોર્મ ભરવા માટે આવતા લોકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવે છે. આવી અનેક પ્રકારની ફરિયાદ મળ્યા બાદ બુધવારે પૂર્વ મામલતદાર દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને બિનઅધિકૃત 16 એજન્ટ પકડાયા હતા.જે લોકો પકડાયા તેઓને ફરી અહીં નહિ બેસવા માટેની તાકીદ કરી હતી.

પૂર્વ મામલતદારે પોલીસને સાથે રાખીને આ ઓપરેશન હાથ ધર્યું હતું. જે એજન્ટો જૂની મામલતદાર કચેરીએ બેસીને જે લાભાર્થીઓ આવતા હતા તેઓને ભ્રમિત કરીને ગેરકાયદેસર રીતે નાણાં પડાવતા હતા તેવી ફરિયાદ અનેક વખત મળી હતી.આ એજન્ટો અરજદારો પાસેથી રૂ.300થી 1000 સુધી વસૂલતા હતા. જોકે અગાઉ અનેક વખત તાકીદ કરી હોવા છતાં તેઓ અહીં આવી જતા હતા. આથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જોકે વહીવટી તંત્રને માત્ર જૂની મામલતદાર કચેરીમાં જ એજન્ટોનું રાજ જોવા મળ્યું છે, પરંતુ વાસ્તવમાં તો પીડીએમ પાસે આવેલી મામલતદાર કચેરી અને કાલાવડ રોડ પર આવેલી મામલતદાર કચેરીમાં પણ એજન્ટોનું રાજ જોવા મળે છે. ત્યાં પણ ફોર્મ ભરવા માટે જે લોકો આવે છે તેઓની પાસેથી એજન્ટો મસમોટી રકમ ઉઘરાવે છે. અરજદારો સરકારી કચેરીના ધક્કાથી બચવા માટે તેમજ અપૂરતી માહિતીના અભાવને કારણે આવા એજન્ટો પાસે ફોર્મ ભરાવી લે છે. ત્યારે અધિકારીઓ દ્વારા તાકીદ કરવામાં આવી છે કે, કોઈ પણ અરજદારો આવા એજન્ટો પાસેથી ફોર્મ ભરાવવાને બદલે હેલ્પ ડેસ્કનો સંપર્ક કરે અને ત્યાંથી માહિતી મેળવી શકે છે. અનઅધિકૃત એજન્ટો ફરી સામ્રાજ્ય ન જમાવે તે માટે બંદોબસ્ત ગોઠવવા માગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *