રાજકોટ શહેરમાં 16 મીમી વરસાદ, ગાજવીજ સાથે પડેલા વરસાદથી જગતના તાતની બાર મહિનાની મહેનત પાણીમાં

રાજકોટ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ છે. ગઈકાલે રાત્રે પડેલા વરસાદને લીધે કેરીના પાકને ભારે નુકસાન થયું છે. આ સાથે જ તલ અને મગ સહિતના ઉનાળુ પાક પણ માવઠાને કારણે વેડફાઈ ગયા છે. રાજકોટ શહેરમાં 24 કલાકમાં 16 મિલીમિટર અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જોકે, માવઠાને કારણે ખેત પાકોને નુકસાન થતાં ખેડૂતોને નુકસાની વેઠવાનો સમય આવ્યો છે. PGVCLમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છમાંથી વીજ વિક્ષેપની 497 ફરિયાદો નોંધાઈ હતી. આ સિવાય પડધરીમા 7 MM, વીંછિયામાં 3 MM, ગોંડલમાં 2 MM અને કોટડા સાંગાણીમાં 1 MM વરસાદ પડ્યો હતો.

કાળઝાળ ગરમીથી રાહત મળી રાજકોટ શહેરના વાતાવરણમાં ગઈકાલે સાંજના 4 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બાદમા રાત્રીના 11.30 વાગ્યે વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ વરસ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી ઝાપટાથી વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો છે. રાજકોટ શહેરમાં ગઈકાલે વરસાદ પડ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે આજે સવારથી વાદળછાયું વાતાવરણ છે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાકને નુકસાન પહોચ્યું છે. ભારે વરસાદના કારણે કેરીના પાકમાં ભારે નુકસાન થયું છે. રાજકોટનાં પાળ ગામના ખેડૂત પિન્ટુભાઈ માળીએ જણાવ્યું હતુ કે, આંબામાંથી પવનના કારણે કેરી ખરી ગઈ છે. કેરીનો તૈયાર પાક ખરી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોની બાર મહિનાની મહેનત પાણીમાં ગઈ છે. આ ઉપરાંત ઉનાળુ તલ અને મગ સહિતના પાકને પણ નુકસાન થયુ છે. દર વર્ષે માવઠું ખેડૂતો માટે વેરી બનીને આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *