રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોશ લોકોનો ભોગ લેવાયા બાદ ત્રણ જમીન માલિકોએ કોઈપણ સરકારી તંત્રની પરવાનગી લીધા વગર ત્રણ-ત્રણ વખત જમીન હેતુફેર કરી લેતા કલેક્ટરે શરતભંગ સબબ કાર્યવાહી શરૂ કરી છે. TRP ગેમ ઝોનમાં 15,000 ચોરસ મીટરમાં જમીન મુદ્દે બે મુદ્દતમાં દલીલ પૂર્ણ થતા ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. જોકે, આગામી સમયમાં કલેક્ટર દ્વારા 3 જમીન માલિકો સામે દંડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં જમીન હેતુફેર મામલે ગત બુધવારે પ્રથમ સુનાવણીમાં તહોમતદારો દ્વારા લાંબી મુદ્દત માંગવામાં આવી હતી. જેનો ઈન્કાર કરી બુધવાર સુધીની મુદત આપવામાં આવી હતી. ગઈકાલે બપોરે જમીન માલિકો તરફથી વકીલ હાજર રહી દલીલ કરી હતી. દલીલ સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. જોકે, આગામી સમયમાં ચુકાદો આપવામાં આવશે. કલેક્ટરે વધુમાં કહ્યું હતું કે, અભ્યાસ કરી વહેલી તકે ચુકાદો આપવામાં આવશે. મવડી સર્વે નં.49 ની ટી.પી.20 ની 15,000 ચોરસ મીટર જમીનના ત્રણ માલિક છે.