રાજકોટ મનપા કચેરીએ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વિવાદાસ્પદ 3 દરખાસ્ત પૈકીની બે દરખાસ્ત અંગે નિર્ણય લેવાયો હતો. એક દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રખડતા ઢોર છોડાવવાનાં દંડમાં ત્રણગણો વધારો મંજૂર કરવામાં આવ્યો હતો. હવે પશુપાલકે ઢોર છોડાવવા 500ની જગ્યાએ 1500 દંડ ભરવો પડશે, તેમજ એનિમલ હોસ્ટેલમાં એક ઢોરને 1000ને બદલે 3000માં રાખવામાં આવશે. જ્યારે રાષ્ટ્રધ્વજની દંડીનાં રૂ.12 લાખ નામંજૂર કરાયા હતા. જોકે, કાલાવડ રોડ જમીન સંપાદનની દરખાસ્ત સતત ચોથી વખત પેન્ડિંગ રાખવામાં આવી હતી.
10 કરોડથી વધુના વિકાસ કામો મંજૂર કરાયા
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, આજની બેઠકમાં કુલ 10 કરોડથી વધુના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં “હર ઘર તિરંગા” અભિયાન માટેનાં રૂપિયા 12 લાખના ખર્ચને નામંજૂર કરવામાં આવ્યો છે. જોકે, કાલાવડ રોડ સિક્સલેન બનાવવાની દરખાસ્ત અંગે અસરગ્રસ્તોની રજૂઆત હતી કે, તેમને સાંભળ્યા બાદ નિર્ણય લેવામાં આવે. તેને કારણે આ દરખાસ્ત ફરી એક વખત પેન્ડિંગ રાખવામાં આવી છે.