રાજકોટના રાજવી પેલેસમાં બન્ને હાથમાં તલવાર લઈ 150 મહિલા રાસ રમી

કોમળ હાથોથી નિતનવા પકવાન બનાવતી નારી શીલ-ચારિત્ર્યની કે મા ભોમની રક્ષા કરવાની નોબત આવે ત્યારે હાથમાં ખડગ લઇને રણચંડી બની જાય એવા ગૌરવવંતા ખમીરવંતા ભારતમાં નારીની દેવીસ્વરૂપે પૂજા થાય છે, જેને વિશ્વ આખું અચંબિત થઈને નિહાળે છે. રાજકોટમાં પેલેસ રોડ પર રાજવી પેલેસના પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનો નવરાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કર્યો હતો. બાઇક તેમજ ખુલ્લી જીપ પર ઊભાં રહીને અને અશ્વ પર સવાર થઈ કરેલા તલવાર રાસને જોઈને ઘોડેસવાર વિરાંગનાઓની ઝાંખી થઈ હતી.

ગુજરાતના ગરબા એટલે કંઈ ત્રણ તાળી નહીં, અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે અને અલગ રીતે રમાય છે. જેમનો એક રાસ એટલે ગુજરાતના ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવતો તલવાર સાથેનો રાસ. રાજકોટના રણજિત વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજું અને ત્રીજું નોરતું એમ કુલ બે દિવસ નવરાત્રિની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બીજા નોરતે 150 જેટલી બહેનોનું અદભુત શૌર્ય જોવા મળ્યું હતું. કોઈ વિચારી પણ ન શકે એવાં કરતબ દર વર્ષે આ ગરબામાં જોવા મળે છે. મહિલાઓએ બાઈક અને ખુલ્લી જીપ પર અને અશ્વ પર સવાર થઇ તલવાર પકડીને રાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *