15 વર્ષની સગીરાએ 16 વર્ષના પ્રેમીના ઘરમાં બેસવાની જીદે ચડી તોડફોડ કરી, પોલીસને પણ કહ્યું, આની સાથે જ જવું છે

શહેરના કોઠારિયા રોડ પર રહેતી 15 વર્ષની સગીરાએ 16 વર્ષની વયના પોતાના પ્રેમીના ઘરે લગ્ન કરીને જવાની જીદ પકડી હતી અને રાત્રે પોતાના ઘરમાં ટીવી અને રિમોટ તોડી આતંક મચાવ્યો હતો. બીજા દિવસે સવારે સગીરાના પિતાએ મામલો પોલીસ સ્ટેશને પહોંચાડ્યો હતો અને પોતાની વગથી પુત્રીના સગીરવયના પ્રેમીને મેથીપાક પણ ખવડાવ્યો હતો.

શહેરના કોઠારિયા રોડ પર રણુજા મંદિર નજીકના વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને તેના ઘરથી થોડે દૂર રહેતા અન્ય જ્ઞાતિના 16 વર્ષના સગીર સાથે પ્રેમસંબંધ હતો. આ સંબંધની જાણ સગીરાના માતા-પિતાને થતાં તેણે પુત્રીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને પ્રેમસંબંધનો અંત લાવવા કહ્યું હતું, પરંતુ સગીરાએ પોતાના પ્રેમની બિન્દાસ્ત કબૂલાત કરીને હવે પ્રેમીના ઘરે જ રહેવું છે તેવી જીદ પકડી હતી અને સગીરા એટલી ઉશ્કેરાઇ ગઇ હતી કે, સોમવારે રાત્રે પોતાના ઘરમાં રહેલું ટીવી અને રિમોટ તોડી નાખ્યા હતા. પુત્રીના આક્રમક પ્રેમથી વ્યથિત પિતાએ મંગળવારે સવારે પોલીસનું શરણું લીધું હતું અને પોતાના એક નિવૃત્ત પોલીસમેનના પરિચયથી ભલામણ કરી પોલીસ સ્ટેશનમાં પુત્રીના પ્રેમી અને તેના પરિવાજનોને પણ બોલાવ્યા હતા.

સગીરા અને તેનો પ્રેમી તથા બંનેના પરિવારજનો પોલીસ સ્ટેશને હાજર હતા ત્યારે સગીરાને તેના પિતાએ પ્રેમસંબંધ તોડી નાખવા કહ્યું હતું. જોકે સગીરા પોતાના પ્રેમીને છોડવા તૈયાર નહોતી. પિતાએ જો તુું આ સંબંધ નહીં તોડે તો ઝેરી દવા પી લઇશ તેવી ધમકી આપી તો સગીરાએ તેના માતા-પિતા બંનેને કહી દીધું હતું કે, ‘તમે બંનેએ મને ખૂબ હેરાન કરી છે’. પોલીસે સમજાવવાની કોશિશ કરી તો પણ સગીરાએ એક જ વાત કરી હતી કે, મારે મારા પ્રેમી સાથે જ જવું છે. પ્રેમીયુગલ બંને સગીર હોય બંનેના લગ્ન થઇ શકે તેમ ન હોય સગીરના પરિવારજનોએ સગીરાને સમજાવવા નવો રસ્તો અપનાવ્યો હતો. સગીરના પિતાએ સગીરાને કહ્યું હતું કે, ‘તમે બંને નાની ઉંમરના છો, કાયદાકીય રીતે તમારા લગ્ન થઇ શકે નહીં, તમે બંને પુખ્ત વયના થઇ જાવ ત્યારે તમારા બંને વચ્ચે પ્રેમસંબંધ હશે તો બંનેના લગ્ન કરાવી દેશું’ પ્રેમીના પરિવારજનોની વાત અંતે સગીરાને ગળે ઉતરી હતી અને તે પોતાના ઘરે જવા સહમત થઇ હતી. જોકે ત્યારબાદ સગીરાના પિતાએ પોતાની ઓળખનો ગેરલાભ ઉઠાવી સગીરા રવાના થઇ ગયા બાદ તેની પુત્રીના પ્રેમીની પોલીસ મથકમાં ધોલાઇ કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *