રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં તાલુકા પંચાયત કચેરીની બાજુમાં રેવાણીયા રોડ વિંછીયા ખાતે રૂ 1.27 કરોડના ખર્ચે બનનારા BRC ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તૈયાર થયેલી શિક્ષણ નીતિ- 2020 મુજબ દેશનું શિક્ષણ એક નવી વૈચારિક ક્રાંતિ સાથે બદલાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાષ્ટ્રીય શિક્ષણનીતીનો અમલીકરણ એકદમ સુદ્રઢ રીતે થઈ રહ્યો છે. ત્યારે વિંછીયા તાલુકાને શિક્ષણના નવા આયામોનો લાભ મળવાનો છે. જેના ભાગરૂપે વિંછીયા તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની સ્કૂલ, બી.આર.સી ભવન, આઈ.ટી.આઈ, વિજ્ઞાન પ્રવાહની કોલેજ તથા કોમર્સ અને આર્ટસ પ્રવાહની કોલેજો પણ શરૂ થવા જઈ રહી છે. જેથી જસદણ-વિંછીયા તાલુકાના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ અભ્યાસ કરવાની અનેક તકો મળી રહેશે. નજીકના ભવિષ્યમાં વિંછીયા જી.આઈ.ડી.સી. શરૂ થતા વિદ્યાર્થીઓ વ્યવસાયિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સધ્ધર બની શકશે .