ભાજપ દ્વારા મહાનગર તથા મંડળ સ્તરે પ્રમુખોની નિયુક્તિ કરાયા બાદ શહેર અને જિલ્લા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, શનિવારે દાવેદારોએ ફોર્મ રજૂ કરવાના છે અને શહેર ભાજપ પ્રમુખપદ માટે વર્તમાન પ્રમુખ સહિત 12 થી 15 આગેવાનો દાવેદારી કરશે તેવા નિર્દેષો મળી રહ્યા છે.
રાજકોટના ચૂંટણી અધિકારી માયાબેન કોડનાણી સહિતના ચૂંટણી નિરીક્ષક શનિવારે સવારે શહેર ભાજપ કાર્યાલયે પહોંચશે અને સવારના 10.30 વાગ્યાથી બપોરના 1.30 વાગ્યા સુધી દાવેદારો ફોર્મ રજૂ કરી શકશે. વર્તમાન પ્રમુખ મુકેશ દોશી ફરીથી દાવેદારી કરવાના છે, તેમની સાથોસાથ હાલમાં શહેરના મહામંત્રી પદે રહેલા અશ્વિન મોલિયા ઉપરાંત કશ્યપ શુક્લ, દેવાંગ માંકડ, પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, પૂર્વ મેયર પ્રદીપ ડવ, કિરણબેન માંકડિયા, જીજ્ઞેશ જોષી, દલસુખ જાગાણી, નિતિન ભૂત, જયંતી સરધારા, ડો.જૈમન ઉપાધ્યાય અને અનિલ મકવાણા સહિત 12 થી 15 આગેવાનો દાવેદારી કરશે તેવું ભાજપ વર્તુળમાં ચર્ચાઇ રહ્યું છે.
અરવિંદ રૈયાણી રાજકીય અસ્તિત્વ બરકરાર રાખવા શહેરની જવાબદારી સંભાળવા તૈયાર થયા છે અને તેમણે આ માટે એડીચોટીનું જોર લગાવ્યું છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ પાટીદાર આગેવાન તરીકે રૈયાણીને આગળ કરી રહ્યા હોવાની ચર્ચા છે અને બ્રહ્મસમાજના ઉમેદવાર તરીકે કશ્યપ શુક્લને રૂપાણીનું સમર્થન હોવાની ચર્ચા છે, શુક્લનું પત્તું નિશ્ચિત કરાયેલા ધારાધોરણમાં કપાય તો તેમની જગ્યાએ ડો.જૈમન ઉપાધ્યાયનું નામ અાગળ ચલાવવા માટેનો પણ તખ્તો ગોઠવાયો છે. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કર પટેલનું નામ પણ કેટલાક દિવસોથી ગુંજી રહ્યું છે પરંતુ પુષ્કર પટેલ કદાચ દાવેદારી નહીં કરે તેવા પણ નિર્દેષ મળી રહ્યા છે.