નવજાત બાળક માટે પ્રેમ, હૂંફ અને સુરક્ષાનું સરનામું એટલે માતા પિતા, જેમના સાનિધ્યમાં રહીને બાળકને સંસ્કાર, શિક્ષા અને કેળવણી આપવામાં આવે છે. આ સાનિધ્ય રાજકોટ કાઠિયાવાડ બાલાશ્રમમાં આશ્રિત બાળકને મળે તે માટે ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અનાથ બાળકોની પુન: સ્થાપન માટે સતત કાર્યરત રહે છે. જે અન્વયે રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાં રહેતા બાળકને માતા પિતાનું સાનિધ્ય અને પ્રેમ, હૂંફ અને સુરક્ષાનું સરનામું પ્રાપ્ત થયું હતું. જ્યારે 14 વર્ષના પુત્રને ગુમાવતી માતાને પ્રાંત અધિકારીના હસ્તે દત્તક બાળક મળતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
પ્રાંત અધિકારી મહેક જૈનના હસ્તે જૂની કલેકટર કચેરી સ્થિત પ્રાંત અધિકારીની કચેરી ખાતે માતા-પિતાને બાળક સોંપવામાં આવ્યું હતું. સરકારના એડોપ્શન રેગ્યુલેશન-2022 મુજબ જિલ્લા કક્ષાએ દત્તક અધિગ્રહણનાં કેસો ચલાવવા માટેની સત્તા જિલ્લા મેજીસ્ટ્રેટને આપવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારે બાળકના પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર અન્વયે થતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરાવી હતી.