રાજકોટ મહાનગરપાલિકાએ હવે 2035 વિકાસને ધ્યાનમાં રાખી પાણીની કેટલી જરૂરિયાત રહેશે તેને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ શરૂ કર્યા છે અને તેના ભાગરૂપે પશ્વિમ રાજકોટને માત્ર ન્યારી ડેમમાંથી પાણી પૂરું પાડી શકાય તે માટે રૂ.136.70 કરોડના ખર્ચે 150 એમએલડીનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કર્યું છે.
હાલમાં રાજકોટ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં ન્યારી એક ડેમનું પાણી પર્યાપ્ત થતું ન હોય મહાનગરપાલિકા દ્વારા વોટર એક્સપ્રેસ ફીડર લાઇન મારફતે આજી ડેમનું પાણી પણ સપ્લાય કરવામાં આવી રહ્યું છે. દરમિયાનમાં હવે રાજકોટ શહેરમાં મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપુર એમ પાંચ ગામો ભળતા અને ત્યાં આગળ પાણીની પાઇપલાઇનો નાખવામાં આવતા પાણીની વિશેષ જરૂરિયાત હવે ઊભી થઇ છે ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશોએ નવા ભળેલા પાંચ ગામ સહિત પશ્ચિમ રાજકોટની 6થી 7 લાખની જનતાને ન્યારી-1 ડેમનું પાણી પર્યાપ્ત થઇ રહે તે પ્રકારનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના એન્જિનિયર કિશોર દેથરિયા અને વોટર વર્કસ સમિતિના ચેરમેન અશ્વિન પાંભરે માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરની 20 લાખથી વધુ જનતા માટે હાલ દૈનિક 440 એમએલડી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
શહેરનો વ્યાપ સતત વધી રહ્યો છે અને તેમાં પણ પશ્વિમ બાજુએ વધુ ઝડપથી શહેરનો વિકાસ થઇ રહ્યો છે તેમજ નવા પાંચ ગામો સહિત અનેક વિસ્તારો રાજકોટમાં ભળેલા હોય ત્યાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે અને આગામી 2035 સુધી આ વિસ્તારોના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખી 150 એમએલડીની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇએસઆર, જીએસઆર બનાવવા માટે રૂ.136.70 કરોડ ફાળવવામાં આવ્યા છે.