136 કરોડના ખર્ચે બનેલા અટલ સરોવરનું આકર્ષણ ઘટ્યું

રાજકોટની ભાગોળે રૈયાધાર નજીક રૂ. 136 કરોડનાં ખર્ચે સ્માર્ટ સીટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના કાંકરિયા તળાવની જેમ સૌરાષ્ટ્રના સૌથી મોટા અટલ સરોવર અને ન્યુ રેસકોર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. અટલ સરોવર ખુલ્લું મુકવામાં આવતા અહીં સહેલાણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઊમટતા હતા. જોકે હાલમાં અહીં માત્ર લેસર-શો અને ફૂડકોર્ટ જ ચાલુ છે. એક વર્ષમાં જ રાજકોટનું આકર્ષણ બનેલું અટલ સરોવર ઝાંખુ પડવા લાગ્યું છે. ચીનથી આવેલી ટોય ટ્રેન, ફેરીસ વહીલ્સ અને સોલાર બોટ ઉદ્ધાટનથી શરૂ જ નથી કરવામાં આવી. જોકે તમામ સુવિધાઓ ચાલુ કરવા માટે હાલ જરૂરી પ્રક્રિયા ચાલુ હોવાનું ડે.કમિશ્નર સી.કે.નંદાણીએ જણાવ્યું હતું, પરંતુ આ માટેનો કોઈ જ ચોક્કસ સમય આપવાનો ઈન્કાર કર્યો હતો.

રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ પહેલા એટલે કે વર્ષ 2024માં ગુજરાતના સ્થાપના દિને જ અટલ સરોવર ધામધૂમથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે રેસકોર્ષ જેમ લોકોની ચિક્કાર ભીડ થતા અંધાધૂંધી સર્જાઇ હતી. તે પછી અગ્નિકાંડના કારણે અટલ સરોવર બંધ કરવું પડ્યું હતું. ત્યારબાદ ગત તા. 1 ઓગષ્ટથી ખોલવામાં આવ્યું છે. જેમાં શનિવાર અને રવિવારે લોકો મોટી સંખ્યામાં આવે છે, પરંતુ અન્ય દિવસોમાં ખાસ અવરજવર જોવા મળતી નથી અને ગણ્યાગાંઠ્યા લોકો આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *