સોમવારે બહેન ભાઈના પ્રેમનું પ્રતિક એવા રક્ષાબંધનનો પર્વ છે. બહારગામ કે વિદેશ અભ્યાસ કરતી બહેન હોય કે સાસરે રહેતી બહેન હોય જે પોતાના ભાઈને રૂબરૂ રાખડી બાંધવા આવી શકતી નથી. પોસ્ટ મારફત રાખડી મોકલે છે. ભાઈનું કાંડું બહેને મોકલાવેલી લાગણીઓની રાખડીથી ખાલી ન રહે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા એક નવો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં રક્ષાબંધન સુધી તમામ પોસ્ટ ઓફિસ દ્વારા ઓવરટાઈમ કરવામાં આવ્યો એટલે કે રાત્રે 8:00 વાગ્યા સુધી રાખડીના કવરની ડિલિવરી કરવામાં આવી. તદુપરાંત રવિવારે રજાના દિવસે પણ રાજકોટ શહેરના 134 જેટલા પોસ્ટમેને 10 હજાર જેટલી રાખડીના કવરની ડિલિવરી કરી હતી.
ટપાલ વિભાગ દ્વારા ખાસ રક્ષાબંધન માટે કામગીરીના કલાકોમાં વધારો કરવામાં આવ્યો હતો. રક્ષાબંધન પહેલાંના દિવસોમાં પોસ્ટ ઓફિસમાં ભારે ટપાલ ટ્રાફિક રહેતો હોય છે. તેથી, તમામ મુખ્ય પોસ્ટ ઓફિસમાં સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સની કામગીરી રાત્રે 8 વાગ્યા સુધી લંબાવવામાં આવી હતી. તદુપરાંત આ વર્ષે 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. તે પહેલાં રવિવારે એટલે કે 18 ઓગસ્ટના રોજ પણ રાખડી ડિલિવરી કરવામાં આવી હતી. રક્ષાબંધનના દિવસે પણ પોસ્ટમેન દ્વારા રાખડીની ડિલિવરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે જેમાં રાજકોટના 134 જેટલા પોસ્ટમેન દ્વારા શહેરમાં 10 હજારથી વધુ રાખડીની ડિલિવરી કરી હતી.