રાજકોટ બી.ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરીયાદીની 13 વર્ષની દીકરીને વાલીપણામાથી કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી નાસી ગયો હતો જે અંગેની તપાસ બી ડિવીઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને બાદમાં તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટને સોંપતા ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન રીસોર્સના આધારે તપાસ કરી ભોગ બનનાર તથા આરોપી સાયલા ખાતે હોવાની માહીતી મળતા ભોગબનનાર બાળકી તથા તેમની સાથે એક શખ્સને પકડી બી ડિવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.
પોલીસ પુછપરછમાં સામે આવ્યું હતું કે તેના પિતાનું અવસાન થતાં માતાએ અન્ય પુરુષ સાથે બીજા લગ્ન કર્યા હતા. સગીરા પણ તેમની સાથે રહેતી હતી પરંતુ માતાના ત્રાસથી કંટાળી સગીરા તેના નવા પિતાના 20 વર્ષીય ભાઈ સાથે ભાગી સાયલા મજૂરીકામ કરવા લાગ્યાં હતા. હાલ પોલીસે સગીરાનું મેડિકલ કરાવવા તજવીજ હાથ ધરી છે. જો સગીરા સાથે ગેરકાયદેસર કૃત્ય થયું હશે તો દુષ્કર્મની કલમ પણ ઉમેરવામાં આવશે.
પાણીના ટાંકામાં પડી જતા એક વર્ષના બાળકનું મોત રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રામવન પાસે મુકેશપાર્ક શેરી નંબર 1માં રહેતા ભરતભાઈ મુંધવાનો 2 વર્ષનો દીકરો હિરેન ગઈકાલે રાત્રે 10 વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે પાણીના ટાંકામાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. હિરેનના પિતા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરે છે.
ગઈકાલે રાત્રે 10 વાગ્યાં આસપાસ હિરેન ન દેખાતા તેમના માતાને એમ થયું કે, કાકા હિરેનને રમાડતા હશે. થોડી વાર બાદ માતાએ કાકાને એકલા જોતા પૂછ્યું કે હિરેન ક્યાં છે? કાકાએ કહ્યું કે અહીં મારી પાસે નથી. જેથી બંનેએ તુરંત ઘરમાં હિરેનને શોધ્યો પણ મળ્યો ન હતો પછી ઘર બહાર શોધખોળ કરતા પાણીના ટાંકામાંથી બેભાન મળી આવ્યો હતો. હિરેન તેના માતા પિતાનું એકનું એક સંતાન હતો જેના મોતથી પરિવારમાં શોક છવાયો છે.