રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરાઇ છે, જે અંતર્ગત આજે મનપાની ટીમો દ્વારા નવા 150 ફૂટ રિંગરોડ પરના મોટા મવા વિસ્તારમાં લક્ષ્મીના ઢોરાના અનામત પ્લોટ પર અનઅધિકૃત રીતે ખડકાયેલા 12 જેટલા પાકા મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પડાયા હતા અને રૂ. 108.15 કરોડની 11,036 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
ગેરકાયદેસર 12 પાકા મકાનો બુલડોઝરથી તોડી પડાયા પ્રાપ્ત વિગત મુજબ નાયબ મ્યુ. કમિશનર ચેતન નંદાણી અને સીટી એન્જિનિયર કુંતેશ મેતાના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનમાં ટીપી સ્કીમ નં. 10 અંતિમ ખંડ નં. 73-બી (વાણિજય વેચાણ)ના હેતુના મ્યુ. કોર્પો.ના મળેલા પ્લોટ પર પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગેરકાયદેસર રીતે ખડકાયેલા 12 પાકા મકાનો બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં પ્રતિ ચો.મી. જમીનનો ભાવ રૂ. 98,000 ચાલી રહ્યો છે અને મનપાએ 11,036 ચો.મી. જમીન ઉપર ગેરકાયદેસર રીતે ખડકાયેલ આ દબાણ તોડી પાડી રૂ. 108.15 કરોડની જમીન ખુલ્લી કરાઈ હતી.
અગાઉ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા દબાણકારોને નોટિસ ફટકારી હતી લક્ષ્મીના ઢોરા વિસ્તારની આ જમીન પરના દબાણો હટાવવા માટે અગાઉ મનપા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી હતી. જેની સમય અવધિ પૂર્ણ થતા જ ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે આ વિસ્તારમાં ત્રાટકી કોર્પોરેશનના અનામત પ્લોટ ઉપરથી 12 પાકા મકાનોના દબાણ હટાવ્યા હતા. ડિમોલિશનની આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના અધિકારીઓ ઉપરાંત આસી. ટાઉન પ્લાનર, આસી. ઇજનેર, હેડ સર્વેયર, વર્ક આસી., વિજીલન્સ સ્કવોર્ડ, રોશની વિભાગ સહિતની વિવિધ શાખાના અધિકારીઓનો કાફલો જોડાયો હતો.