રાજકોટ શહેર જિલ્લામાં તાજેતરમાં ખાબકેલા ભારે વરસાદે સર્જેલી તબાહીમાં માર્ગોનું પણ મોટાપાયે ધોવાણ થયું છે. જેના રીપેરીંગ કામ માટે માર્ગ-મકાન વિભાગ દ્વારા તાકિદના ધોરણે કામગીરી આરંભી દેવામાં આવી છે. આ માટે જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકાર પાસે 12 કરોડની ગ્રાંટ માંગવામાં આવી છે. ભારે વરસાદને કારણે સ્ટેટ હાઇવેના 11 સહિત 35 જેટલાં માર્ગોનુ ધોવાણ થતા રીપેરીંગ માટે રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવી છે.
કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અસરગ્રસ્તોને કેશડોલ્સની સહાયની ચુકવણીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જે બાદ હવે નુકશાનીની સર્વે કામગીરી આગામી બે-ત્રણ દિવસમાં જ પૂર્ણ કરી સરકારમાં રિપોર્ટ સબમીટ કરી દેવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદના પગલે કુલ 35 જેટલા માર્ગોનું ધોવાણ થતાં આ તમામ માર્ગો ધોવાઈ ગયા હતા. જેમાં માર્ગ-મકાન વિભાગ સ્ટેટ વિભાગ હસ્તકના 11 માર્ગો પર પાણી ફરી વળતા તેમજ ઓવરટેપીંગના કારણે નુકશાન પામેલ હતાં. જેના પરિણામે આ માર્ગો પર વાહન-વ્યવહાર પણ ખોરવાયો હતો. આ માર્ગોમાં ઉપલેટા તાલુકાના 5, જેતપુર તાલુકાના 3, પડધરી તાલુકાના 1 સહિતના માર્ગોનો સમાવેશ થાય છે. આ તમામ 11 માર્ગોનું રીપેરીંગ કામ થતાં તેના પર વાહન વ્યવહાર રાબેતા મુજબ શરુ થઇ ગયો છે.