જેતપુરના 108 ઇમર્જન્સીના સ્ટાફે રૂ.5 લાખના હીરા અને એક લાખ રોકડા રૂપિયા જેવી માતબર રકમ ઇજાગ્રસ્તના પરિવારને પરત કરી ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ રીતે 108ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાના પાઠ પણ શીખવાડે છે.
રાજકોટના ધંધાદારી યુવાનને ખાસિયત ગામ નજીક અકસ્માત નડતાં બાઇક ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બેભાન થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ જેતપુર 108ના ઇમર્જન્સી સેવાના કર્મચારીને થતાં તે મદદ માટે તુરંત સ્થળ પર પહોંચી હતી. સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં જેતપુર 108ના ઇ.એમ.ટી. ઉર્વીશી વિશાણી અને પાઇલટ દિવ્યેશ બારિયાને ચાલક યુવાન બેભાન થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ કરતાં બાઇકચાલકની બેગમાંથી 5 લાખના હીરા અને એક લાખ રોકડા રૂપિયા જેવી મોટી રકમ તેમજ મોબાઈલ મળી આવ્યાં હતાં. જે ઈજાગ્રસ્તના પરિવારજનોને પરત કર્યા હતા.
તેઓ બેભાન ચાલક યુવાન ચેતન ચૌહાણને તાત્કાલિક સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ યુવાનને વધુ સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યો હતો. અહીં દવાખાના ઉપર જ યુવકના પરિવારજનોનો સંપર્ક સાધીને તેમને યુવક પાસેથી મળેલા 5 લાખના હીરા અને રોકડ રકમ તેમજ તેમની ચીજવસ્તુઓ પરત કરી એક ઉમદા ઉદાહરણ અને પ્રમાણિકતાની મિશાલ પૂરી પાડી હતી.