રાજકોટમાં વડીલો અને વૃક્ષો માટે મોરારિબાપુની માનસ સદ્ભાવના કથા યોજાશે. આ કથામાં દેવતાઓને આહ્વાન-આમંત્રણ આપવા માટે કાલે રેસકોર્સમાં 108 કુંડી મહાયજ્ઞ યોજાશે. જેમાં એક પણ જગ્યાએ પ્લાસ્ટિકની ચીજવસ્તુનો વપરાશ નહિ થાય. યજ્ઞમાં વિવિધ ઔષધિ અને સામગ્રીની આહુતિ આપવામાં આવશે. જેનાથી વાતાવરણમાં શુદ્ધતા પ્રસરશે. તેમજ યજ્ઞ દરમિયાન ઋષિ સંસ્કૃતિની ઝાંખી પણ થશે.
વિદ્વાન બ્રાહ્મણો શાસ્ત્રોક્ત વિધિ કરાવશે. તેમજ શનિવારે વિરાણી હાઈસ્કૂલ ખાતેથી ભવ્ય પોથીયાત્રા યોજાશે. જેમાં બે હજારથી વધુ ભક્તો જોડાશે. આ સિવાય હાથી, ખુલ્લી જીપ અને વિવિધ ફ્લોટ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમ વૃદ્ધાશ્રમના સંચાલક વિજયભાઈ ડોબરિયાએ જણાવ્યું છે.
વધુમાં તેના જણાવ્યાનુસાર રેસકોર્સ ખાતે યોજાનારા મહાયજ્ઞમાં દરેક કુંડ પર એક એમ કુલ 108 ઉપાચાર્ય યજ્ઞ કરાવશે. યજ્ઞમાં વિદ્વાન બ્રહ્મદેવતાઓ શાસ્ત્રોક્ત વિધિથી રામનામની આહુતિઓ અર્પણ કરશે. તેમજ તેની સાથે સાથે ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, શ્રીગણેશ મંત્ર, લક્ષ્મી મંત્રોના પણ ઉચ્ચારણ થશે. આ યજ્ઞની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેમાં એક પણ પ્લાસ્ટિકની સામગ્રી વાપરવામાં આવશે નહીં.