શહેરની ભાગોળે નવાગામ રાણપુર ગામે આવેલા ગોડાઉનમાંથી રૂ. 4.75 લાખની તલની 108 ગુણીઓની ચોરી થઇ હતી. આ ચોરીનો ભેદ કુવાડવા રોડ પોલીસે ઉકેલી ચોટીલા,ગારીડાના ત્રણ શખ્સોને દબોચી લઇ મહીન્દ્રા બોલેરો ગાડી કબ્જે કરી છે. જોકે આ ટોળકીએ તલ ચોર્યા એ સાથે જ સસ્તા ભાવે વેંચી નાખ્યા હતા. જે ત્રણ શખ્સ પકડાયા છે તેણે સુત્રધાર તરીકે અન્ય એક શખ્સ હોવાનું રટણ કરતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. કુવાડવા રોડ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલી હોર્ન ઓકે હોટેલ સામેથી ત્રણ શખ્સોને બોલેરો સાથે પકડી લેવાયા છે. જેમાં ચોટીલાના ખડગુંદાના રણજીત છગન સોલંકી (ઉ.વ.22), રાજકોટના ગારીડાના કેતન ઉર્ફ ભુદીયો ભરત ધરજીયા (ઉ.વ.21) અને જયંતિ કુવરા ધરજીયા (ઉ.વ.20)ને પકડી લઇ જીજે 13 એએક્સ-1730 નંબરની 6 લાખની બોલેરો કાર કબ્જે કરી હતી. વધુમાં આરોપીની પૂછતાછમાં સામે આવેલ કે, આ ટોળકીએ ગત જુલાઇ મહિનાની 14મી તારીખે બોલેરો સાથે નવાગામ આણંદપરના ગોડાઉનમાં ત્રાટકી તલની ગુણીઓ ચોરી લીધી હતી. તે વખતે સંજીવકુમાર રાજેન્દ્રપ્રસાદ શ્રીવાસ્તવની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો હતો.જો કે ઝડપાયેલા ત્રણ શખ્સોએ આ ચોરીમાં સુત્રધાર ગારીડાનો અન્ય એક શખ્સ હોવાનું અને તલ તેણે વેંચી નાંખ્યાનું કહેતાં તપાસ શરૂ થઇ છે. જેથી પોલીસે તે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
અન્ય બનાવમાં કાલાવડ રોડ પર શ્રીજી હાઈટ તરફ જતા રોડ નજીક ચોરાઉ બાઈક સાથે એક શંકાસ્પદ શખ્સ ઉભો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસની ટીમે એકટીવા સાથે સુમિત વિરાણીને ઝડપી પાડ્યો હતો. બાદમાં વાહન અંગે પોકેટ કોપ એપમાં સર્ચ કરતા તે વાહન અન્ય વ્યક્તિના નામે હોવાનું સામે આવતા પોલીસે પૂછપરછ કરતા બે મહિના પૂર્વે 150 ફૂટ રીંગ રોડ પર કૃતિ ઓનેલા નજીકથી બાઈક ચોરી ગયાની કેફીયત આપી હતી.વધુમાં તસ્કરે 2 મહિના પૂર્વે 150 ફૂટ રીંગ રોડ પર બિગ બજાર નજીકથી ટીવીએસ જયુપીટર, 3 માસ પૂર્વે સુરતના વરાછા રોડ પરથી એકટીવા, ગોંડલ બસ સ્ટેન્ડ નજીકથી 3 મહિના પૂર્વે એક્ટિવા ચોરી કર્યાની કેફીયત આપી હતી. બાદમાં તાલુકા પોલીસની ટીમે કાલાવડ રોડ પર અંધ વૃદ્ધાશ્રમ નજીક જીનીયસ સ્કૂલ તરફ જતા રોડની દિવાલ પાસેથી અન્ય ત્રણ વાહનો કબ્જે કરી તસ્કર સુમિત બાબુ વિરાણી(ઉવ 25 હાલ રહે. મોટા વરાછા, સુરત અને મૂળ રંગે ખાનકોટડા, કાલાવડ, જામનગર)ની ધરપકડ કરી રૂ.1.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તસ્કરની ધરપકડ થતાં 4 વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ હુમલો, એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળના ગુના નોંધાઈ ચુક્યા છે.