દિવાળીમાં 100 એક્સ્ટ્રા એસટી બસો દોડશે

દિવાળીના તહેવારને લઈ 25 ઓક્ટોબરથી રાજકોટ એસટી વિભાગ દ્વારા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચવા માટે 100 એક્સ્ટ્રા બસ દોડાવવા માટેનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા 9 ડેપો પરથી વધારાની બસો મુકવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, દ્વારકા, સોમનાથ, દાહોદ, મંડોર અને છોટાઉદેપુરની બસમાં દિવાળી દરમિયાન વધુ ટ્રાફિક રહેતો હોવાથી એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે. આ વધારાની બસોનો લાભ મુસાફરોને 25 ઓક્ટોબરથી લગભગ એક માસ સુધી મળી રહેશે. જેને કારણે તેઓને ખાનગી બસોમાં વધુ નાણાં ચૂકવી લૂંટાવવું ન પડે. જો કે, એસટી વિભાગની એક્સ્ટ્રા બસોમાં સવા ગણું ભાડું વસૂલવામાં આવે છે પરંતુ તે ખાનગી બસોના ભાડા કરતા ઘણું ઓછું હોય છે.

રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે દિવાળીના તહેવારોમાં 80 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી હતી. ત્યારે હવે આ વર્ષે તેમાં વધારો થયો છે અને એક્સ્ટ્રા 100 બસો દોડાવવામાં આવશે. 25 ઓક્ટોબરથી લગભગ એક મહિના સુધી આ બસોનો લાભ મુસાફરોને મળી રહેશે. રાજકોટ એસટી વિભાગ દ્વારા દરરોજ 520 જેટલા શેડ્યુલ એટ્લે કે, બસો દોડાવવામાં આવે છે. દિવાળી દરમિયાન આ શેડ્યુલમાં 100 બસોનો વધારો કરવામા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *