સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચૂંટણી આચારસંહિતા બાદ આજે પહેલીવાર BOM(બોર્ડ ઓફ મેનેજમેન્ટ)ની બેઠક મળવાની છે. ઘણા સમય બાદ મળનારી આ બેઠકમાં જુદા જુદા 30 જેટલા મુદ્દાની ચર્ચા થવાની છે જેમાંથી મુખ્ય મુદ્દાઓમાં PM-USHA યોજના હેઠળ મંજૂર થયેલી 100 કરોડ ગ્રાન્ટનો ઉપયોગ કરવાનું પ્લાનિંગ આજે બોર્ડમાં મુકાશે.
આ ઉપરાંત તાજેતરમાં જ બીસીએ સેમેસ્ટર-4માં 25 માર્ક્સના પ્રશ્નો લીક થવા મુદ્દે આજે નિર્ણય લેવાશે. એલએલએમના કોર્સને મંજૂરી આપવી કે કેમ, ડૉ.કલાધર આર્યને યુનિવર્સિટીમાં પરત લેવા મુદ્દે, ભાજપના નેતાઓની કોલેજને સ્થળ ફેરફાર કરવા મુદ્દે, ધારીની કોલેજના વિવાદમાં ફોજદારી કરવા મુદ્દે, છેલ્લા છ મહિનામાં લીધેલા ફાઇનાન્શિયલ નિર્ણયના મુદ્દા બોર્ડમાં મુકાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી આચારસંહિતાને કારણે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક નહીં મળતા અનેક નિર્ણયો અટકી પડ્યા હતા. જોકે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક પહેલાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક પણ બોલાવવી જરૂરી છે, પરંતુ યુનિવર્સિટીએ સીધી જ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક બોલાવી લીધી છે.