10 વર્ષથી અટકેલો NSEનો IPO ટૂંક સમયમાં આવશે

કો-લોકેશન કેસમાં NSEની સેટલમેન્ટ અરજીને સેબીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય પછી લગભગ એક દાયકાથી અટકેલા NSEના IPOની સૌથી મોટી કાનૂની અડચણ દૂર થઈ ગઈ છે. સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ 15 જાન્યુઆરીએ આ અંગે જાણકારી આપી હતી.

ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર, રેગ્યુલેટરી ક્લિયરન્સ મળ્યા પછી હવે NSE માર્ચના અંત સુધીમાં પોતાના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) એટલે કે લિસ્ટિંગ પેપર્સ ફાઇલ કરી શકે છે. આ માટે એક્સચેન્જે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ અને લો ફર્મ્સ સાથે વાતચીત શરૂ કરી દીધી છે.

આશા છે કે આ જ મહિનાના અંત સુધીમાં સેબી તરફથી NOC જાહેર કરી દેવામાં આવશે, જે પછી સલાહકારોની ઔપચારિક નિમણૂક થશે. NSE દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે.

કો-લોકેશન કેસના કારણે 2016થી અટકેલો છે IPO

NSE વર્ષ 2016 થી જ શેરબજારમાં લિસ્ટ થવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ કો-લોકેશન કેસની તપાસને કારણે તેને મંજૂરી મળી રહી ન હતી. ગયા વર્ષે NSE એ 1,387 કરોડ રૂપિયા આપીને આ મામલાને પતાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને હવે સેબીએ સ્વીકારી લીધો છે.

NSE પર આરોપ હતો કે એક્સચેન્જના કેટલાક પસંદગીના બ્રોકર્સને બાકીના રોકાણકારોની સરખામણીમાં માર્કેટ ડેટા સુધી ‘ફાસ્ટ એક્સેસ’ અથવા કેટલાક સેકન્ડ પહેલાં માહિતી મળી રહી હતી.
એક્સચેન્જના ડેટા સેન્ટરમાં જ આ બ્રોકર્સના સર્વર લગાવવાની સુવિધા (કો-લોકેશન) આપવામાં આવી હતી, જેનો કથિત રીતે ખોટો ઉપયોગ કરીને કેટલાક બ્રોકર્સે ફાયદો ઉઠાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *