શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતા અને ક્રિસ્ટલ મોલમાં કપડાંનો શો રૂમ ચલાવતા વેપારીએ ધંધાના કામ માટે લીધેલા રૂ.10 લાખના વ્યાજ સહિત રૂ.17.50 ચૂકવ્યા છતાં વ્યાજખોર શખ્સ વધુ પૈસાની માંગ કરી મારી નાખવાની ધમકી આપતો હોવાની ફરિયાદ કરતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતા અને મૂળ ધોરાજીના શ્યામભાઇ દિનેશભાઇ ભૂતએ હનુમાન મઢી પાસે દુકાન ચલાવતા રાજેન્દ્રસિંહ ઘોઘુભા જાડેજા સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સને 2011થી ધોરાજીથી રાજકોટ આવી કપડાંનો ધંધો શરૂ કર્યો હતો બાદમાં તેને ક્રિસ્ટલ મોલમાં શો રૂમ સહિત આઠ શો રૂમ શરૂ કર્યા હતા બાદમાં સને 2020માં કોરોના મહામારીમાં ધ઼ધો ઠપ થઇ ગયો હોય શો રૂમના ભાડા અને કર્મચારીઓના પગારના પૈસાની જરૂરિયાત થતા તેને મિત્ર હાર્દિકભાઇ મારફતે રાજેન્દ્રસિંહ ઘોઘુભા જાડેજા સાથે પરિચય થયો હતો અને તેની પાસેથી પાંચેક વર્ષ પહેલાં રૂ.2.50 લાખ ત્રણ ટકા વ્યાજે લીધા હતા અને તે સમયસર આપી દીધા હતા બાદમાં ફરી પાંચ લાખ લીધા હતા તે પણ ભરી આપ્યા હતા, ત્યારબાદ 10 લાખ 20 ટકા લેખે લીધા હતા અને રોજના 10 હજાર ચૂકવવાના હોય બાદમાં તેને વ્યાજ અને પેનલ્ટી સહિત રૂ.17.50 ચૂકવી દીધા હતા.
દરમિયાન મારી પાસેથી અગાઉ ચેક અને લખાણ કરેલ હોય તેમજ મારી પાસે વધુ પૈસાની ઉઘરાણી કરતો હોય જેથી મારી પાસે હવે પૈસા નથી માગતા તો ઉઘરાણી કેમ કરે છે. તેમજ વેપારીએ પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ પણ કરી હતી. બાદમાં સમાધાન પણ થઇ ગયું હતું. અગાઉ વ્યાજખોરી નાબૂદ કરવાના પોલીસના અભિયાન દરમિયાન લોકદરબારમાં તેને રાજેન્દ્રસિંહ અને અન્ય પાંચ વ્યાજખોર સામે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ કરી હતી અને ધંધો કરવા માટે વેપારી મુંબઇ ચાલ્યા ગયા હતા બાદમાં તેને આપેલા ચેક રાજેન્દ્રસિંહએ બેંકમાં નાખી બાઉન્સ કરાવ્યા હતા. કોર્ટમાં મુદત હોય વેપારી શ્યામભાઇ કોર્ટમાં ગયા હતા ત્યારે રાજેન્દ્રસિંહ ત્યાં મળ્યા હતા અને તેને કહ્યું કે, જો તું પૈસા નહીં આપે તો સારાવાટ નહીં રહે કહી મારી નાખવાની ધમકી આપી હતી.