10 ટકાના વ્યાજે 10 લાખ લેનાર પ્રૌઢ ધમકીથી ઘર છોડી ગયા

શહેરમાં વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરી ધમકી આપ્યાનો વધુ એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. નારાયણનગર મેઇન રોડ પર રહેતા નયનાબેન ખોલિયા નામની પરિણીતાએ ત્રિશૂલ ચોકમાં બેઠક ધરાવતા વ્યાજખોર જયદીપ દેવડા સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, પતિ સુરેશ નરશીભાઇ ખોલિયા અટિકા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં શ્રીહરિ ઇન્ડસ્ટ્રીઝના નામથી ખીલી બનાવવાનું જોબવર્ક કામ કરે છે. જ્યારે બે પુત્ર લાદીકામ કરે છે. દરમિયાન પોણા બે મહિના પહેલા પતિ અચાનક કોઇને કંઇ કહ્યાં વગર ઘરેથી ગુમ થઇ ગયા છે.

પતિની પુત્ર સાથે અનેક સ્થળોએ શોધખોળ કરી હતી, પરંતુ કોઇ ભાળ મળી ન હતી. દરમિયાન પતિનો સામેથી એક દિવસ ફોન આવ્યો અને તેમને કહ્યું કે, મેં જયદીપ દેવડા પાસેથી 2 લાખ અને તેના કાકા રાજુ દેવડા પાસેથી રૂ.8 લાખ એમ કુલ રૂ.10 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા. જે રૂપિયાની અવારનવાર પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતા હોય પોતે સરખી રીતે ધંધો કરી શકતા નથી. તે કારખાને આવી ગાળો ભાંડી ધમકી આપતા હોય ગભરાઇને પોતે ઘરેથી નીકળી ગયો છે.

પતિ સાથે ફોન પર વાતચીત થયાના ત્રણ દિવસ બાદ જયદીપ ઘરે આવી તમારા ઘરવાળા પાસેથી મારે પૈસા લેવાના છે, તેને કહો રૂપિયા આપી દે તેમ કહી ગાળો ભાંડી જતો રહ્યો હતો. ત્યાર બાદ જયદીપે બંને દીકરા પાસે પણ પઠાણી ઉઘરાણી કરી ધમકી આપવાનું ચાલુ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *