રાજકોટ શરદી-ઉધરસ તેમજ ઝાડા-ઉલટીનાં ભરડામાં,ટાઈફોઇડ તાવનો પણ 1 કેસ સામે આવ્યો

રાજકોટમાં ઠંડી વધતા રોગચાળો વકર્યો છે. નવા વર્ષની શરૂઆતમાં જ રાજકોટીયનો શરદી-ઉધરસ અને ઝાડા-ઉલટીનાં ભરડામાં સપડાયા છે. મનપાનાં ચોપડે નોંધાયેલા કેસોનાં સાપ્તાહિક આંકડામાં શરદી-ઉધરસનાં 941 અને ઝાડા-ઉલટીનાં 181 સહિત વિવિધ રોગના 1284 કેસ નોંધાયા છે. જેમાં ડેંગ્યુ અને ચિકનગુનિયાનાં પણ 1-1 કેસ નોંધાયો છે. એટલું જ નહીં ટાઈફોઇડ તાવનો પણ 1 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રો તેમજ સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જાહેર થયેલા આ આંકડા સરકારી હોસ્પિટલ અને મનપાનાં આરોગ્ય કેન્દ્રો ખાતેનાં છે. જો ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ધ્યાનમાં લઈએ તો આ સંખ્યા 7 હજારથી વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીનાં જણાવ્યા મુજબ, મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1284 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસનાં સૌથી વધુ 941 કેસ, ઝાડા-ઉલટીનાં 181 કેસ નોંધાયા છે. સામાન્ય તાવનાં અગાઉનાં 159 કેસ નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુ 1 અને ચિકનગુનિયા 1-1 કેસ સામે આવતા નવા વર્ષમાં ડેંગ્યુનાં 6 કેસ અને ચિકનગુનિયાનાં કુલ 5 કેસ થયા છે. જ્યારે લાંબા સમય બાદ ટાઇફોઈડ તાવનો પણ 1 કેસ સામે આવ્યો છે. આ ઉપરાંત હાલમાં સૂકી ઉધરસનાં કેસોમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે.

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થતા આંકડાઓ અંગેની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, મનપાનાં કુલ 23 આરોગ્ય કેન્દ્રો છે. જેમાં IHIP નામની ટ્રેસિંગ સિસ્ટમ દ્વારા સાપ્તાહિક રોગચાળાનાં આંકડાઓ જાહેર કરાય છે. જેમાં મોટાભાગે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ સાથે વેકસીન પ્રિવેન્ટેબલ ડિસિસનું ટ્રેસિંગ કરવામાં આવે છે. ઉપરાંત શ્વસન તંત્રનાં મુખ્ય રોગો જેવા કે, કોવિડ અને સિઝનલ ફલૂનાં કેસો ઉપર પણ દૈનિક નજર રાખી આ આંકડાઓની IHIP પોર્ટલ પર એન્ટ્રી કરી દર સપ્તાહે જાહેર કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *