નવાગામમાં રંગીલા સોસાયટીમાં રહેતા અને નવાગામમાં એક્સપ્રેસ એેન્ડ સપ્લાઇ ચેન પ્રાઇવેટ લિ. નામની પાર્સલની ડિલિવરી કરવાનું કામ કરતી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હિરેનભાઇ ઇશ્વરભાઇ પરમાર (ઉ.48)એ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે તેની ઓફિસમાં નોકરી કરતો જતિન મુકેશભાઇ સુમલખાણિયાનું નામ આપ્યું હતું.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણેક વર્ષથી કંપનીમાં નોકરી કરતા હોય અને તેની ઓફિસમાં રવિકુમાર, રાહુલ યાદવ, ઓમપ્રકાશ ચૌહાણ સહિતના કામ કરતા હોય તેમજ છેલ્લા 10 દિવસથી અમારી કંપનીમાં મજૂરીકામે આવેલો જતિન મુકેશભાઇ સુમલખાણિયા પાર્સલની ડિલિવરીનું કામ કરતો હોય તા.28ના રોજ અમારી ઓફિસમાં કસ્ટમર અમર ક્રિએશન જે રાજકોટના સંત કબીર રોડ પર આવેલ હોય અને તેને તેની ઓફિસેથી પાર્સલ લઇ જવાનું કહેતા કંપનીના ડ્રાઇવર દિલીપભાઇને વાત કરી હતી જેથી તે સંત કબીર રોડ પરથી ત્રણ ચાંદીના દાગીનાના પાર્સલ લઇ આવી ઓફિસમાં જમા કરાવ્યા હતા જો કે, અમદાવાદ ઓફિસે માત્ર બે પાર્સલ જ પહોંચતા. જતિન પર શંકા ગઇ હતી. ઓફિસમાંથી રૂ.1.57 લાખના ચાંદીના દાગીનાની ચોરી થયાનું જણાવતા એએસઆઇ ખોડુભા જાડેજા સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ તેની ધરપકડ કરવાની તેમજ તેની પાસેથી મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી કરી હતી.